શામળા ફળિયા પ્રાથમિક શાળા, ખેરગામ ખાતે આનંદ મેળાનું આયોજન
શામળા ફળિયા પ્રાથમિક શાળા, ખેરગામ ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી આનંદ મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ આનંદ મેળામાં વાલીઓના માર્ગદર્શન હેઠળ બાળકો દ્વારા વિવિધ પ્રકારની વાનગીઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.
આ પ્રવૃત્તિ દ્વારા બાળકોને નાણાંના હિસાબ-કિતાબનો રૂબરૂ અને વ્યવહારુ અનુભવ મળ્યો હતો, જેનાથી તેમનામાં ગણિતીય સમજ, મૂલ્યવત્તા અને વ્યવહારુ જ્ઞાનના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવાઈ હતી.
આ પ્રસંગે ખેરગામ ગ્રામ પંચાયતના સભ્ય શ્રીમતી હેમલતાબેન પટેલ, એસએમસીના અધ્યક્ષ શ્રી કૌશાબેન, ઉપાધ્યક્ષ શ્રી નિલેશભાઈ પટેલ, શિક્ષણવિદ્ શ્રી શંકરભાઈ પટેલ તેમજ એસએમસી સભ્યો શ્રી હિતેશભાઈ, શ્રીમતી આશાબેન, શ્રી તુષારકુમાર, શ્રીમતી યોગીતાબેન, શ્રીમતી ભગવતીબેન પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આનંદ મેળાના આયોજનથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સહકારભાવ અને સર્જનાત્મકતાનો વિકાસ થયો હતો, જે માટે શાળાના શિક્ષકમિત્રો તથા વાલીઓનો સહયોગ સરાહનીય રહ્યો હતો.





