ચીખલી તાલુકાના સુરખાઈ ગામે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ
પ્રાકૃતિક ખેતી જ ધરતીમાતા અને ભવિષ્યને બચાવવાનો એકમાત્ર માર્ગ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઈ ગામે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે રાસાયણિક ખેતીના અતિરેક ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, પાણી અને પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યા છે અને માનવ આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આવનારી પેઢીઓ માટે ફળદ્રુપ જમીન અને શુદ્ધ પર્યાવરણ બચાવવું આપણી નૈતિક જવાબદારી છે.
તેમણે ખેડૂતોને પોતાના ખેતરના એક ભાગમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરીને તબક્કાવાર તેનો વ્યાપ વધારવા અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિક ખેતીથી ખર્ચમાં ઘટાડો, જમીનની ગુણવત્તામાં સુધારો અને ઝેરમુક્ત ખાદ્ય ઉત્પાદન શક્ય બને છે તેમ તેમણે જણાવ્યું.
પરિસંવાદ દરમિયાન રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી તેમજ પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે સફળ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાની, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિરાલીબેન નાયક, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ સહિત વિવિધ અધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.




