નારણપોર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન.
ખેરગામ, તા. 25 જૂન: ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળા ખાતે ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી અરુણભાઈ નાયક સાહેબની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ–2026 કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો.
કાર્યક્રમ દરમિયાન આંગણવાડી, બાલવાટિકા તેમજ અન્ય શાળાઓમાંથી આવેલા ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાયો હતો. આ પ્રસંગે ધોરણ 1થી 8માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર, 100 ટકા હાજરી ધરાવતા, CET તથા NMMS પરીક્ષામાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને અભિનંદન સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.
શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્યો સાથે બેઠક યોજી શાળાના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તા અને સુવિધાઓ અંગે રચનાત્મક ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો.
કાર્યક્રમમાં ખેરગામ બ્લોકના લાયઝન અધિકારી જીગરભાઈ પટેલ, ગામના આગેવાનો, વાલીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી તથા ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશકુમાર ચૌહાણે તમામ ઉપસ્થિત અધિકારીઓ, આગેવાનો, વાલીઓ અને સહયોગીઓને સહૃદય આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસ અને ઉમંગભર્યા વાતાવરણમાં સંપન્ન થયો.





