Dahod news "અંજલિ બારીયા: યુવાનો માટે પ્રેરણાનું એક જીવંત ઉદાહરણ"
- સેન્ટ્રલ લેવલે લેવાતી NORCET ની પરીક્ષા પાસ કરી સફળતા સર કરતી દાહોદની દીકરી
- એસ.ટી. કેટેગરીમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક લાવી ગુજરાત અને દાહોદનું નામ રોશન કર્યું
- પ્રાથમિક શાળાથી લઇને માધ્યમિક શાળા સુધી સમગ્ર અભ્યાસ સરકારી શાળાઓમાં તેમજ નર્સીંગ કોલેજમાં સરકારશ્રી દ્વારા અપાતી સ્કોલરશીપની મદદ મળી
- સરકાર આપણી મદદ માટે તમામ પ્રકારની સહાય કરી રહી છે, જરૂર છે તો ફક્ત આપણે આપણો હાથ લાંબો કરવાની - વિદ્યાર્થીની અંજલિ બારીયા
- માતા - પિતા જો પોતાના સંતાનોને અભ્યાસ અર્થે પૂરતો સાથ - સહકાર આપે એ ખુબ જ જરૂરી છે.-અંજલિ બારીયા
દાહોદ : હા, અહીં વાત કરવાની છે, ગુજરાતના પૂર્વ છેવાડે આવેલા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામમાં રહેતી અંજલિ બારીયાની. દાહોદ જિલ્લો આદિવાસી જિલ્લા તરીકે ઓળખાતો જિલ્લો છે. મોટેભાગે આદિવાસીઓ ખેતી પર નિર્ભર છે તેમજ અન્ય જિલ્લાઓમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન કરે છે. અંજલિના માતા - પિતા પણ અન્યોની જેમ ખેતી કરીને તેમજ ગેરેજ ચલાવીને પરિવારનું ભરણ - પોષણ કરે છે.
ગાંગરડી ગામના વતની અને ખેતીવાડી પર નિર્ભર એવા મુકેશભાઈ શાંતિલાલ બારીયા તેમજ સરલાબેન મુકેશભાઈ બારીયાની ૨૨ વર્ષીય દીકરી નામે અંજલિ બારીયા. જેણે હાલમાં જ પાટણમાં આવેલ ધારપુર ખાતેની ગવર્નમેન્ટ કોલેજ ઓફ નર્સિંગ વર્ષ ૨૦૨૪ માં બી. એસ. સી. નર્સિંગમાં ૪ વર્ષના કોર્સની માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી હતી.
તેણીએ જણાવ્યું હતું કે, સંતાનોને સફળ થવા પાછળ માતા - પિતાનો ફાળો અગત્યનો છે, માતા - પિતાના સાથ - સહકાર અને આશીર્વાદ વગર શાયદ હું આ સ્ટેજ પર ના પહોંચી હોત, જેથી માતા - પિતા જો પોતાના સંતાનોને અભ્યાસ અર્થે પૂરતો સાથ - સહકાર આપે એ ખુબ જ જરૂરી છે. બાળકોનું ભવિષ્ય કંડારવા કે ઘડતર માટે માતા - પિતાનો પૂરતો રોલ હોય છે. જે મને મારા માતા - પિતા તરફથી મળ્યો. મારા પરિવારને મારા પર ગર્વ છે એથી વિશેષ મારા માટે બીજું તો શું હોઈ શકે...!
હા, અહીં અંજલિ ડિગ્રી મેળવ્યા પછી પણ અન્ય વિદ્યાર્થીઓની જેમ શાંતિથી સમય પસાર કરવાનું બાજુ પર મૂકીને પોતાના કરિયર પર ફોકસ કરવા લાગી. કોલેજકાળ દરમ્યાન ત્યાંના ફેકલ્ટી દ્વારા મળેલ NORCET ની પરીક્ષા અંગેની માહિતીને તેણીએ ગંભીરતાથી લીધી. આ પરીક્ષા સેન્ટ્રલ લેવલે લેવાતી હોય છે, જે પાસ કરવાથી ૭૦ થી ૮૦ હજાર સેલેરી તેમજ પસંદગીની સર્વિસ સરળતાથી મળી જતી હોય છે, આ પરીક્ષામાં પાસ થવા માટે ફેકલ્ટી દ્વારા મળેલ પ્રેરણાને તેણીએ સાકાર કરવા ઓનલાઇન ક્લાસ શરૂ કર્યા, દિવસ - રાત તેણીએ એક કરી સતત મહેનત કરીને ટુ સ્ટેજ પર લેવાતી સેન્ટ્રલ લેવલની પરીક્ષા અમદાવાદ ખાતે આપી અને સફળ થઇ. ઓલ ઇન્ડિયા રેન્કમાંથી પાસ થયેલ ૬૯૪૪ ઉમેદવારોમાંથી ૨૪૧ મો નંબર લાવનાર અંજલિ બારીયા એસ.ટી. કેટેગરીમાં પ્રથમ ક્રમાંકે છે. જે આપણા ગુજરાત રાજ્ય તેમજ દાહોદ જિલ્લા માટે ગર્વની વાત છે.
પોતાના અભ્યાસ કાળ વિશે જણાવતાં અંજલિ કહે છે કે, મેં ધોરણ ૧ થી ૪ સુધીનો અભ્યાસ પ્રાથમિક શાળા, ગાંગરડી ખાતે, ધોરણ ૫ થી ૮ નો એલ. કે. પરમાર પ્રાયમરી સ્કૂલ, ધોરણ ૯ થી ૧૦ નો અભ્યાસ કે. આર. પંચાલ, કન્યા વિદ્યાલય ખાતે કર્યો હતો. ધોરણ ૧૧ - ૧૨ નું ભણતર દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતે અંતેલા ગામમાં આવેલ એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ ખાતે પૂર્ણ કર્યું હતું. અહીં ધોરણ ૧૨ માં હું સ્કૂલમાં ટોપર રહી હતી. EMRS એ આદિવાસી વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે. ત્યાં કોઈપણ પ્રકારનો ભણતર માટેનો ચાર્જ લેવામાં આવતો નથી, પરંતુ સામેથી યુનિફોર્મ, પુસ્તકો, રહેવા - જમવાનું તેમજ અન્ય પ્રાથમિક જરૂરતો વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે.
મને એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે, મારો સંપૂર્ણ અભ્યાસ સરકારશ્રી દ્વારા શક્ય અને સરળ બન્યો છે. હું એક સામાન્ય પરિવારમાંથી છું. તેમ છતાં મારા ઘરની આર્થિક સ્થિતિ મારા અભ્યાસમાં મને ક્યાંય નડતર રૂપ બની નથી. મારા પરિવારએ મને પૂરતો સાથ અને પ્રોત્સાહન પુરા પાડ્યા. આ બધું સરકાર દ્વારા શિક્ષણને લગતી વિવિધ યોજનાઓ થકી શક્ય બન્યું છે. સરકારશ્રીએ વિદ્યાર્થીઓને અને તેમાંય ખાસ કરીને આદિવાસી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે વિશિષ્ટ સેવાઓ ઉપલબ્ધ કરાવી છે.
મારો અનુભવ કહે છે કે, સરકાર આપણી મદદ માટે તમામ પ્રકારની સહાય કરી રહી છે, જરૂર છે તો ફક્ત આપણે આપણો હાથ લાંબો કરવાની. સરકાર ઘણું આપી રહી છે બસ એ સહાય લેવા માટે આપણે આગળ આવવાની જરૂર છે. હું ફક્ત એટલું જ કહીશ કે, મહેનત અને પ્રયત્ન કરતા રહીશું તો એક દિવસ ચોક્કસ સફળ થઈશું. કારણ કે, ધગશ, મહેનત અને પ્રયત્નનું ફળ જરૂર મળે છે.
Courtesy: infodahodgog #dahod #garbada