ખેરગામ તાલુકાની તોરણવેરા પ્રાથમિક શાળામાં CRC કક્ષાનું ગણિત–વિજ્ઞાન પ્રદર્શન આનંદમય અને ઉત્સાહભેર યોજાયું.
શિક્ષણની પ્રગતિશીલ વિચારધારાને પ્રોત્સાહન આપનારા તોરણવેરા ગામના સરપંચશ્રી સુનિલભાઈના હસ્તે પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પાટી કેન્દ્રના કેન્દ્ર શિક્ષક શ્રી કિરીટભાઈ સોલંકી, પૂર્વ કેન્દ્ર શિક્ષક શ્રી દિનેશભાઈ તેમજ સુરેન્દ્રભાઈ પટેલની વિશેષ હાજરી રહી હતી. શાળાના આચાર્યશ્રી હેમાંગભાઈ ટંડેલ સહિત પાટી ક્લસ્ટરની શાળાઓના શિક્ષકો, ગ્રામજનો અને બાળ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદર્શન દરમ્યાન પ્રાથમિક તથા ઉચ્ચ પ્રાથમિક વિભાગોના વિદ્યાર્થીઓએ માર્ગદર્શક શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ વૈજ્ઞાનિક, પર્યાવરણીય, કૃષિ આધારિત, આરોગ્ય સંબંધિત તથા ગણિતના રાજ્યકક્ષાના મોડેલ રજૂ કર્યા. “ટકાઉ ખેતી, હરિત ઊર્જા, સ્માર્ટ કચરાનું વ્યવસ્થાપન, ગણિતના વિવિધ મોડેલ, પ્રાકૃતિક ખેતી, સોલાર સ્માર્ટ ફાર્મિંગ” જેવા અગત્યના વિષયો પર આધારીત સર્જનાત્મક પ્રોજેક્ટ્સે સૌનું ધ્યાન ખેંચ્યું.
આ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, સર્જનાત્મકતા અને સંશોધનક્ષમતા વિકસે તેવો સુંદર પ્રયાસ નોંધાયો હતો. શાળામાં યોજાયેલા આ કાર્યક્રમને માતા-પિતા અને ગ્રામજનો દ્વારા પણ વિશેષ પ્રશંસા પ્રાપ્ત થઈ હતી.




