ખેરગામની પોમાપાળ પ્રાથમિક શાળામાં પતંગોત્સવની આનંદમય ઉજવણી
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં મકરસંક્રાંતિ નિમિત્તે પતંગોત્સવની આનંદમય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ અને આનંદ સાથે ભાગ લીધો હતો. શાળાના આંગણાં તથા મેદાનમાં બાળકોએ પતંગ ચગાવી ઉત્સવનો ભરપૂર આનંદ માણ્યો.
પતંગ કપાતાં “કાયપો કાયપો”, “ખેંચ ખેંચ”, “લપેટ લપેટ” જેવી બૂમો અને ચીચીયારીઓથી સમગ્ર શાળા પરિસર ગુંજી ઉઠ્યો અને વાતાવરણ ઉત્સાહભર્યું બની ગયું. આ અવસરે શાળા પરિવાર દ્વારા તમામ બાળકોને તલના લાડુ તથા ચીકી ખવડાવી મોં મીઠું કરાવવામાં આવ્યું.
સૂર્યનારાયણ ભગવાનના મકર રાશિમાં પ્રવેશના પાવન અવસરને ઉજવવા માટે આયોજિત આ પતંગોત્સવે બાળકોમાં પરંપરા, આનંદ અને એકતા ભાવના વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી અને કાર્યક્રમ સૌ માટે યાદગાર બન્યો.




