શિક્ષણ અને રમત ક્ષેત્રે યોગદાન બદલ ચંદ્રકાંતભાઈ ગાયકવાડનું ગુજરાત સારસ્વત સન્માન – 2026
ધ સ્કૂલ ઓફ સાયન્સ, પાલનપુર તથા નોલેજ વેલી ફાઉન્ડેશનના સંયુક્ત આયોજન હેઠળ રાજ્યમાં ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે “ગુજરાત સારસ્વત સન્માન અને સ્નેહમિલન – 2026” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં CRC તરીકે ફરજ બજાવતા શ્રી ચંદ્રકાંતભાઈ ગાયકવાડનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે તેમની સેવા સાથે સાથે રમતગમત ક્ષેત્રે આપેલા મહત્વપૂર્ણ યોગદાનને ખાસ રીતે બિરદાવવામાં આવ્યું હતું.
આ ભવ્ય સારસ્વત સન્માન કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના ૧૫,૦૦૦થી વધુ પ્રતિભાશાળી અને પથદર્શક શિક્ષકોને એક જ મંચ પર સન્માનિત કરવાનો અનોખો પ્રયાસ કરવાનો છે. કાર્યક્રમના પ્રથમ તબક્કામાં કુલ ૨૫૨૫ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) તથા રાષ્ટ્રીય પાઠ્યક્રમ માળખા (NCF) પર આધારિત માર્ગદર્શિકાઓને અનુરૂપ શિક્ષણમાં ગુણવત્તા, નવીનતા, સર્વાંગી વિકાસ અને **‘લર્નિંગ વિથ જોય’**ના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાના હેતુથી યોજાયો હતો. માનનીય પદાધિકારીઓ તથા અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
ઉલ્લેખનીય છે કે ચંદ્રકાંતભાઈ ગાયકવાડે ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ નવસારી જિલ્લાની બ્લાઈન્ડ ક્રિકેટ ટીમમાં ભાગીદારી કરી નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. ઉપરાંત, નવસારી જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં ગોળાફેંકમાં બીજો ક્રમ, તેમજ ચક્રફેંક અને 100 મીટર દોડમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ ખેલ મહાકુંભ ખાસ દિવ્યાંગજન માટે આયોજિત થાય છે, જેમાં તેઓ છેલ્લા ચાર વર્ષથી જિલ્લા તથા રાજ્યકક્ષાએ સતત પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે તેમની બહુમુખી સિદ્ધિઓ બદલ મળેલું આ સન્માન નવસારી જિલ્લા માટે ગૌરવની બાબત છે.






