નિપુણ ભારત અંતર્ગત જિલ્લા કક્ષાની વાર્તાનિર્માણ સ્પર્ધામાં ગણદેવી તાલુકાની મનસ્વી પટેલ પ્રથમ
શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી દ્વારા આયોજિત નિપુણ ભારત અંતર્ગત જિલ્લા કક્ષાની વાર્તાનિર્માણ સ્પર્ધામાં વિદ્યામંદિર માછીઆવાસણ, તાલુકો ગણદેવી, જિલ્લો નવસારીની વિદ્યાર્થિની મનસ્વી નિતેશકુમાર પટેલએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગૌરવસભર સિદ્ધિ હાંસલ કરી છે.
આ સ્પર્ધામાં જિલ્લામાંથી અનેક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મનસ્વી પટેલે પોતાની સર્જનાત્મકતા, ભાષાની સમૃદ્ધિ અને વિચારની ઊંડાણથી નિષ્ણાંત સમિતિનું ધ્યાન આકર્ષી પ્રથમ ક્રમ મેળવ્યો. તેમની આ સફળતા માટે શાળાના આચાર્યશ્રી, માર્ગદર્શક શિક્ષકો તથા માતા-પિતાએ હર્ષ વ્યક્ત કર્યો છે.
આ સિદ્ધિથી શાળાનું નામ ઉજાગર થવાની સાથે અન્ય વિદ્યાર્થીઓને પણ સર્જનાત્મક લેખન ક્ષેત્રે પ્રેરણા મળશે. સંસ્થાના અધિકારીઓએ મનસ્વી પટેલને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.
નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અજુવેન્દ્ર પટેલ અને મહામંત્રી શ્રી હિતેશકુમાર પટેલ તથા ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી કલ્પેશકુમાર ટંડેલ સહિત હોદ્દેદારોએ અભિનંદન સાથે હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.


