નિપુણ ભારત અંતર્ગત જામનપાડાની દીકરીઓની જિલ્લાકક્ષાએ ઝળહળતી સફળતા
વર્ષ ૨૦૨૫–૨૬ માટે જીસીઇઆરટી, ગાંધીનગર દ્વારા આયોજિત ‘નિપુણ ભારત’ મિશન અંતર્ગત જિલ્લાકક્ષાની બાળ વાર્તા કથન સ્પર્ધામાં ખેરગામ તાલુકાની જામનપાડા પ્રાથમિક શાળાની દીકરીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.
જિલ્લાકક્ષાની સ્પર્ધામાં જામનપાડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની રૂહીબેન અરુણભાઈ પટેલે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી જિલ્લાનું નામ ઉજાગર કર્યું છે, જ્યારે પ્રી-પ્રાઈમરી / પ્રાથમિક સ્ટેજમાં ઋત્વીબેન મનોજભાઈ પટેલે દ્વિતીય ક્રમાંક મેળવી નોંધપાત્ર સફળતા મેળવી છે.
ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલી આ દીકરીઓએ પોતાની ભાષા સમજ, અભિવ્યક્તિ કૌશલ્ય અને આત્મવિશ્વાસ દ્વારા સાબિત કર્યું છે કે યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તો દીકરીઓ કોઈપણ મંચ પર શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકે છે.
પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર રૂહીબેન પટેલ હવે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત ખાતે યોજાનારી આગામી સ્પર્ધામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આગામી સ્પર્ધાની તારીખ, સમય અને સ્થળની માહિતી અનુગામી રીતે જાહેર કરવામાં આવશે.
આ સિદ્ધિ બદલ જામનપાડા પ્રાથમિક શાળાના શિક્ષકો, શાળા સંચાલન તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ‘નિપુણ ભારત મિશન’ અંતર્ગત બાળ ભાષા વિકાસ અને દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપતો આ પ્રયાસ સર્વત્ર પ્રશંસનીય ગણાયો છે.
ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ તેમજ ખેરગામ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રીશ્રી કિરીટભાઈ પટેલ નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સહમંત્રી શ્રી ધર્મેશકુમાર પટેલ સહિત તમામ હોદ્દેદારોએ દીકરીઓને અભિનંદન સાથે હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.



