વાંસદા તાલુકાનું ગૌરવ: સુનિતા થોરાટે ચિત્ર સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું.
દક્ષિણ ઝોન કક્ષા કલા ઉત્સવ અંતર્ગત યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની પી.એમ. શ્રી શાળા, લીમઝરની વિદ્યાર્થીની સુનિતા થોરાટે પ્રથમ ક્રમ મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તેમની આ સફળતાથી પરિવાર, શાળા, ગામ તેમજ સમગ્ર વાંસદા તાલુકાનું ગૌરવ વધ્યું છે. સુનિતા થોરાટની આ સિદ્ધિ તેમની અવિરત મહેનત, સર્જનાત્મકતા અને કલાપ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ છે. સાથે જ માર્ગદર્શક શિક્ષકશ્રીની પ્રેરણા, યોગ્ય માર્ગદર્શન અને શાળા પરિવારના સતત સહકારથી આ સફળતા સંભવ બની છે.
આ સિદ્ધિ બદલ વિદ્યાર્થીની, માર્ગદર્શક શિક્ષક તથા સમગ્ર શાળા પરિવારને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આવનાર રાજ્ય કક્ષા કલા ઉત્સવમાં પણ સુનિતા થોરાટ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રાજ્ય સ્તરે પણ શાળા અને તાલુકાનું નામ રોશન કરે તેવી સૌએ શુભકામનાઓ વ્યક્ત કરી છે. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અજુવેન્દ્ર પટેલ, મહામંત્રીશ્રી હિતેશકુમાર પટેલ તેમજ અન્ય હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત વાંસદા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી ભરતભાઈ થોરાટ, મહામંત્રીશ્રી જીગરસિંહ પરમાર સહિત હોદ્દેદારોએ પણ વિદ્યાર્થીનીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી તેની આગળની યાત્રા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો છે.


