Dharampur updates: કારગિલના મોરચાથી યુવાનોના ઘડતર સુધી: નિવૃત્ત કેપ્ટન શંકરભાઈ ગવળીની અવિરત રાષ્ટ્રસેવાને સલામ.
વલસાડ, તા. 14 ઓગસ્ટ, 2026: સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ દેશની સુરક્ષા માટે જીવનનો મહત્વપૂર્ણ સમય સમર્પિત કરનારા અને નિવૃત્તિ બાદ પણ યુવાનોમાં દેશસેવાની ભાવના જગાવનારા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી ગામના નિવૃત્ત કેપ્ટન શંકરભાઈ ચીમનભાઈ ગવળીની રાષ્ટ્રસેવાની સફર પ્રેરણારૂપ બની છે.
સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા શંકરભાઈને બાળપણથી જ સેનામાં જોડાઈ દેશસેવા કરવાની પ્રબળ ઈચ્છા હતી. ગામના નિવૃત્ત એરફોર્સ અધિકારી સ્વ. દિનકરભાઈ પટેલના માર્ગદર્શનથી વર્ષ 1980માં તેમણે આર્મીની ભરતીમાં ભાગ લીધો અને સૈનિક તરીકે પસંદગી પામી. ત્યારથી શરૂ થયેલી તેમની સૈન્યસેવા 33.5 વર્ષ સુધી ચાલી.
સૈન્ય કારકિર્દી દરમિયાન તેમણે સિક્કિમ, મધ્યપ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સહિતના વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવી. સિક્કિમના અત્યંત ઠંડા અને પડકારજનક વાતાવરણથી લઈને સંવેદનશીલ સરહદી વિસ્તારો સુધી તેમણે પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી.
શ્રીલંકા મિશનની પડકારજનક યાદો
વર્ષ 1987માં શ્રીલંકામાં LTTE સામેની પરિસ્થિતિ દરમિયાન ભારતીય શાંતિ સેનાના ભાગરૂપે શંકરભાઈએ પણ ફરજ બજાવી હતી. અત્યંત જોખમી પરિસ્થિતિમાં ફરજ દરમિયાન તેમની કંપની પર હુમલો થયો હતો અને અનેક ભારતીય જવાનો ઘાયલ થયા હતા. આ સમયગાળાની યાદો આજે પણ તેમની સૈન્ય કારકિર્દીના સૌથી પડકારજનક પ્રસંગોમાં સ્થાન ધરાવે છે.
કારગિલ યુદ્ધનો સાક્ષી
શંકરભાઈની સૈન્ય કારકિર્દીનો સૌથી મહત્વપૂર્ણ અધ્યાય 1999નું કારગિલ યુદ્ધ રહ્યું. યુદ્ધ પહેલાં તેઓ નૌશેરા સેક્ટરમાં ફરજ બજાવતા હતા. કારગિલ યુદ્ધ દરમિયાન તેમને ઓપરેશનલ વિસ્તારમાં ફરજ સોંપવામાં આવી હતી અને યુદ્ધમોરચાથી આશરે 20 કિલોમીટર દૂર એડવાન્સ ડ્રેસિંગ સ્ટેશન ખાતે સેવા આપી હતી.
સતત ગોળીબાર અને જોખમી પરિસ્થિતિ વચ્ચે પણ ફરજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અડીખમ રહી. કારગિલ યુદ્ધ દરમિયાનની સેવા બદલ તેમને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની લાંબી સૈન્યસેવા દરમિયાન દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તેમજ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
નિવૃત્તિ બાદ પણ દેશસેવા ચાલુ
વર્ષ 2013માં કેપ્ટન પદેથી નિવૃત્ત થયા બાદ શંકરભાઈએ દેશસેવાને અલવિદા કહી નહીં. સ્વ. દિનકરભાઈ પટેલ દ્વારા શરૂ કરાયેલી મિલિટરી ટ્રેનિંગ એકેડેમી સાથે જોડાઈ તેમણે આદિવાસી વિસ્તારના યુવાનોને આર્મી, BSF, CISF, પોલીસ અને ફોરેસ્ટ વિભાગ જેવી સેવાઓમાં જોડાવા માટે તાલીમ આપવાનું શરૂ કર્યું.
યુવાનોને આ તાલીમ નિઃશુલ્ક આપવામાં આવે છે. શારીરિક ક્ષમતા વધારવા માટે નિયમિત ફિઝિકલ ટ્રેનિંગ ઉપરાંત થિયરી, ટેસ્ટ અને ભરતી પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.
આ તાલીમના પરિણામે અત્યાર સુધીમાં 113 યુવાનો સરકારી સેવામાં જોડાઈ ચૂક્યા છે. શંકરભાઈ માટે આ માત્ર એક આંકડો નથી, પરંતુ અનેક પરિવારોના સપનાઓને સાકાર કરવાની સફર છે.
“યુવાનો દેશસેવા માટે આગળ આવે એ જ મારી સૌથી મોટી ખુશી”
સ્વાતંત્ર્ય પર્વના અવસરે શંકરભાઈનું માનવું છે કે નવી પેઢીમાં દેશપ્રેમ અને રાષ્ટ્રપ્રત્યેની જવાબદારીની ભાવના વધુ મજબૂત થવી જોઈએ. સ્વતંત્રતા માટે અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાનને યાદ રાખીને દરેક નાગરિકે દેશ પ્રત્યેની પોતાની ફરજ નિભાવવી જોઈએ.
તેમની સમગ્ર સફરનો સંદેશ સ્પષ્ટ છે કે સૈનિક સેવામાંથી નિવૃત્ત થઈ શકે છે, પરંતુ દેશસેવાની ભાવના ક્યારેય નિવૃત્ત થતી નથી.
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કેપ્ટન શંકરભાઈ ગવળી જેવા રાષ્ટ્રસેવકોની જીવનયાત્રા નવી પેઢી માટે દેશપ્રેમ, શિસ્ત, સાહસ અને કર્તવ્યનિષ્ઠાનો પ્રેરણાસ્ત્રોત બની રહે છે.
POST courtesy: Jignesh Solanki, info Valsad gog



