પોમાપાળ પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની સંસ્કૃતિસભર ઉજવણી
ખેરગામ: પોમાપાળ પ્રાથમિક શાળા, ખેરગામ ખાતે રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ અને લાગણીસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આંગણવાડી તથા બાલવાટિકાના ભૂલકાંઓ સહિત ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
રક્ષાબંધન નિમિત્તે શાળાની દીકરીઓએ ભાઈઓના કપાળે કુમકુમનું તિલક કરી પ્રેમ અને સ્નેહપૂર્વક રાખડી બાંધી હતી. નાના ભૂલકાંઓએ પણ આ પરંપરાગત ઉજવણીમાં ભાગ લઈને તહેવારની ખુશીમાં વધારો કર્યો હતો. કાર્યક્રમના અંતે તમામ બાળકોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને રક્ષાબંધનના મહત્વ વિશે સમજાવ્યું હતું. ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ, લાગણી, વિશ્વાસ અને એકબીજાની સુરક્ષા પ્રત્યેની જવાબદારીને ઉજાગર કરતો આ પર્વ ભારતીય સંસ્કૃતિમાં વિશેષ સ્થાન ધરાવે છે તેમ સમજાવવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓને રક્ષાબંધન સાથે જોડાયેલી સ્થાનિક પરંપરાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસને ગુજરાતમાં બળેવ તેમજ નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. નાળિયેરી પૂનમ સાથે દરિયાઈ જીવનની પરંપરા જોડાયેલી છે. આ દિવસે ખલાસીઓ અને દરિયાઈ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો દરિયાદેવની પૂજા કરી શુભતા અને સલામતીની પ્રાર્થના કરે છે તથા પરંપરાગત રીતે વહાણ હંકારવાની શરૂઆત કરે છે, તે અંગે પણ બાળકોને જાણકારી આપવામાં આવી હતી.
આ રીતે પોમાપાળ પ્રાથમિક શાળામાં રક્ષાબંધનની ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં ભાઈ-બહેનના સ્નેહ સાથે ભારતીય સંસ્કૃતિ, તહેવારો અને લોકપરંપરાઓ પ્રત્યે સમજ તથા જાગૃતિ કેળવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

