વાવ પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ભાવભેર ઉજવણી.
વાવ: વાવ પ્રાથમિક શાળામાં રક્ષાબંધનના પાવન પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે શાળામાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરી વિદ્યાર્થીઓમાં ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ, સ્નેહ અને રક્ષાના ભાવને ઉજાગર કરવામાં આવ્યો હતો.
શાળાના શિક્ષકના માર્ગદર્શન હેઠળ શાળાની દીકરીઓ દ્વારા પોતાની જાતે સુંદર રાખડીઓ બનાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સર્જનાત્મકતા દર્શાવીને રાખડીઓ તૈયાર કરી હતી. ત્યારબાદ જાતે બનાવેલી રાખડીથી રક્ષાબંધનની પરંપરા મુજબ કપાળે કુમકુમ તિલક કરી રક્ષા બાંધી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને રક્ષાબંધનના સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી. સ્વનિર્મિત રાખડી બનાવવાની પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, આત્મનિર્ભરતા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના વિકસે તેવો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમ શાળાના શિક્ષકોના માર્ગદર્શન અને વિદ્યાર્થીઓના ઉત્સાહપૂર્ણ સહયોગથી આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.




