વાંસદાના ઘોડમાળ ખાતે ₹190.62 કરોડના 49 વિકાસકાર્યોનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત

SB KHERGAM
0

   

વાંસદાના ઘોડમાળ ખાતે ₹190.62 કરોડના 49 વિકાસકાર્યોનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત.

નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે વિકાસકાર્યોનો પ્રારંભ; ચીખલી, ખેરગામ અને વાંસદામાં ભગવાન બિરસા મુંડા તાલુકાકક્ષાની લાયબ્રેરીઓનું પણ નિર્માણ થશે

નવસારી, તા. 3 નવેમ્બર: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઘોડમાળ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે કુલ ₹190.62 કરોડના ખર્ચે હાથ ધરાનારા 49 વિવિધ વિકાસકાર્યોનું રિમોટના માધ્યમથી ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય તથા પંચાયત) તેમજ રમતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના વિવિધ લોકોપયોગી વિકાસકાર્યોનો આ પ્રસંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વાંસદા જેવા આદિવાસી વિસ્તારમાં રસ્તા, કોઝવે, બ્રિજ અને અન્ય પાયાની સુવિધાઓનો વિકાસ એ માત્ર બાંધકામની કામગીરી નથી, પરંતુ વિસ્તારના ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોના જીવનમાં સુવિધા અને પ્રગતિની નવી તકો ઊભી કરવાનો પ્રયાસ છે. સરકારની યોજનાઓ અને સુવિધાઓ છેવાડાના નાગરિક સુધી પહોંચે તે વિકાસની સાચી કસોટી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વાંસદા વિધાનસભા વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા અગાઉથી અંદાજે ₹1,100 કરોડથી વધુનાં વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યાં છે. આજે ₹190.62 કરોડનાં નવાં વિકાસકાર્યોનો પ્રારંભ થતાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી આ વિસ્તારની વિકાસયાત્રાને વધુ વેગ મળશે.


રસ્તા, કોઝવે અને બ્રિજનાં વિવિધ કામો

આ કાર્યક્રમ અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા ₹11.30 કરોડના ખર્ચે વાંસદા-વાંસીયાતળાવ-બોરિયાચ-ખાટા-આંબા-કણધા સુધીના રસ્તાના રિસરફેસિંગ કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકામાં ₹55.23 કરોડના ખર્ચે પાંચ રસ્તાઓનાં કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા વાંસદા તાલુકામાં ₹59.65 કરોડના ખર્ચે સાત રસ્તાઓનાં કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. સાથે જ તાલુકાનાં વિવિધ ગામોમાં નોન-પ્લાન રસ્તાઓ, કોઝવે અને બ્રિજ સહિતનાં ₹47.92 કરોડના ખર્ચે હાથ ધરાનારા 33 વિકાસકાર્યોનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો.


ખેરગામમાં ₹5.55 કરોડના ખર્ચે ભગવાન બિરસા મુંડા લાયબ્રેરીનું નિર્માણ

આ કાર્યક્રમની વિશેષ નોંધપાત્ર બાબત એ રહી કે આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે વધુ સારી સુવિધા મળી રહે તે હેતુથી ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકા મથકે ભગવાન બિરસા મુંડા તાલુકાકક્ષાની લાયબ્રેરીઓના નિર્માણકાર્યોનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત ચીખલી ખાતે ₹6.13 કરોડ, ખેરગામ ખાતે ₹5.55 કરોડ અને વાંસદા ખાતે ₹4.84 કરોડના ખર્ચે લાયબ્રેરીઓનું નિર્માણ કરવામાં આવશે. આ લાયબ્રેરીઓ આદિવાસી સમાજના દીકરા-દીકરીઓ માટે અભ્યાસ, વાંચન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની વ્યવસ્થિત તૈયારી માટે ઉપયોગી શૈક્ષણિક કેન્દ્રો બનશે.

નાયબ મુખ્યમંત્રીએ આદિજાતિ વિસ્તારના યુવાનોને શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્રે પણ આગળ વધવાની તક મળે તે માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે તેમણે સાબરકાંઠાની આદિવાસી દીકરી તેજલબેન ડામોરની એશિયન ગેમ્સમાં મેડલ જીતવાની સિદ્ધિનો ઉલ્લેખ કરી આદિવાસી યુવાનોની પ્રતિભાને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.


તહેવારોના માહોલમાં નાયબ મુખ્યમંત્રીએ નાગરિકોને સ્થાનિક હસ્તકલા સાથે સંકળાયેલી બહેનો અને સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરવામાં આવતી વસ્તુઓની ખરીદી કરી તેમને પ્રોત્સાહન આપવા તેમજ જરૂરિયાતમંદ પરિવારો સાથે તહેવારની ખુશીઓ વહેંચવા અપીલ કરી હતી.

કાર્યક્રમના પ્રારંભે નવસારી જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીએ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. અંતે જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણીએ આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, નવસારીના સાંસદશ્રી ધવલભાઈ પટેલ, ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, અગ્રણીશ્રી ભૂરાભાઈ શાહ સહિત વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ખેરગામ માટે વિશેષ મહત્ત્વ: ₹5.55 કરોડના ખર્ચે નિર્માણ પામનારી ભગવાન બિરસા મુંડા તાલુકાકક્ષાની લાયબ્રેરીથી ખેરગામના આદિવાસી વિદ્યાર્થીઓને વાંચન, અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે વધુ સુવ્યવસ્થિત સુવિધા ઉપલબ્ધ થવાની આશા છે. આ વિકાસકાર્ય તાલુકાના શૈક્ષણિક માળખાને નવી દિશા આપનારું બની શકે છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top