વડતાલ : નડિયાદ,ખેડા,ગુજરાત
ગુજરાતના વડતાલ ખાતે સ્વામિનારાયણ મંદિર, વડતાલ મુખ્ય મથકની લક્ષ્મીનારાયણ) દેવની ગાદી છે. અહીં મુખ્ય ત્રણ મંદિર છે, જેમાં મધ્યમાં આવેલા મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવની પ્રતિમા રાખવામાં આવી છે. તેની જમણી તરફ રાધાકૃષ્ણ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય દેવ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે અને ડાબી તરફ પામપિતા અને ભક્તિમાતાની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે.
આ મૂર્તિઓની સ્થાપના ભગવાન સ્વામિનારાયણ દ્વારા 1824ની ત્રીજી નવેમ્બરના રોજ વૈદિક મંત્રોચ્ચાર અને ભક્તિમય વાતાવરણમાં કરવામાં આવી હતી.
વડતાલનું મંદિર વડતાલ સ્વામિનારાયણ તરીકે પણ જાણીતું છે. આ મંદિરની કમળ આકારની પ્લીન્થ કલાત્મકતાનો બેનમૂન નમૂનો છે. મંદિરના નવ ઘુમ્મટ તેની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. આ મંદિરનું બાંધકામ સદ્દગુરુ બ્રહ્માનંદ સ્વામીના માર્ગદર્શન અંતર્ગત થયું હતું. મંદિરના સ્તંભ ગુલાબી રંગના પથ્થરોમાં સુંદર કોતરણીકામ કરીને બનાવેલા છે. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી માત્ર પંદર મહિનામાં જ આ મંદિરનું બાંધકામ સારી રીતે થઇ ગયું હતું. મંદિરની દીવાલો પર રામાયણના પ્રસંગોનું રંગબેરંગી નકશીકામ દ્વારા ચિત્રાંકન કરવામાં આવ્યું છે.
અહીં સવારના 5.30 કલાકે મંગળા આરતી બાદ 06.00 કલાકે દર્શન બંધ થઇ જાય છે. સવારે 07.15 વાગ્યે શૃંગાર આરતી બાદ 09.30 કલાકે દર્શન બંધ થાય છે. રાજભોગ આરતી 10.15 વાગ્યે થયા બાદ 12.00 વાગ્યે ફરી દ્વાર બંધ કરી દેવામાં આવે છે. ઉથાપન દર્શનનો સમય 03.30નો છે. તે પછી સાંજના 07.15 કલાકે સાંધ્ય આરતી બાદ 07.45 કલાકે દ્વાર બંધ થાય છે. રાત્રે 08.45 કલાકે શયન આરતી થાય છે.