તુલસીશ્યામ : જંગલ વચ્ચે આવેલું ધામ
ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં અમરેલી જિલ્લાની સરહદે તુલસીશ્યામ આવેલું છે. તે ઉનાથી લગભગ by 29 કિ.મી.ના અંતરે આવેલું છે. આ જગ્યાએ ભગવાનવિષ્ણુ અને રુક્મિણીનાં મંદિર છે. રુક્મિણી દેવીનાં દર્શન કરવા માટે લગભગ 400 પગથિયાં ચડીને જવું પડે છે. મંદિર બંધાવનાર દુધાધારી મહારાજને તપશ્ચર્યા દરમિયાન ભગવાને દર્શન આપીને અહીં મંદિર બનાવવાનું કહ્યું. દુધાધારી મહારાજે અન્ય લોકોની મદદ લઈને ત્યાં ખોદકામની શરૂઆત કરી, ત્યારે ત્યાં મૂર્તિ મળી આવી.
આ મૂર્તિને સ્થાપિત કરવા જુગલ રાયચંદ નામના ભક્તે અહીં મંદિર બનાવડાવ્યું.
મંદિરથી નજીકમાં જ ગરમ પાણીના કુંડ છે. અહીં ભાદરવા સુદ અગિયારસે જળઝીલણીનો મેળો ભરાય છે, જ્યાં અનેક શ્રદ્ધાળુઓ આવે છે. તુલસીશ્યામમાં છેલ્લાં હજાર વર્ષથી અખંડ દીવો આજે પણ પ્રજ્વલિત છે.