ભાલકા તીર્થ : વેરાવળ, ગીર સોમનાથ જિલ્લો
ભાલકા તીર્થ: કૃષ્ણએ જ્યાં દેહ ત્યાગ્યો
સોમનાથના વેરાવળ પાસે આવેલા ભાલકા તીર્થ અનેરું મહત્ત્વ ધરાવે છે. ભાલકા તીર્થ ભાલકા ગામમાં આવેલું છે, જે સોમનાથ મંદિરથી આશરે 4 કિ.મી. દૂર છે. આ તીર્થસ્થળ હિંદુ ધર્મમાં મહત્વપૂર્ણ છે, આ પ્રાચીન મંદિરમાં ભગવાન એ કૃષ્ણની નીલવર્ણી પ્રતિમા ધ્યાનસ્થ મુદ્રામાં જોવા મળે છે. આ મંદિર પર મહમ્મદ ગઝની દ્વારા આક્રમણ કરવામાં આવ્યું હતું અને મંદિરના ખજાના સહિત ભગવાનના આભૂષણો સુધ્ધાં લૂંટીને એ પોતાની સાથે લઇ ગયો હતો. અનેક વાર આ તીર્થ પર વિદેશી હુમલા થવા છતાં હિંદુ ધાર્મિકોએ તેનો પુનરુદ્ધાર કર્યો.
એવી માન્યતા છે કે આ જ એ સ્થળ છે જ્યાં ભગવાન કૃષ્ણના પગની પાનીને હરણનું મુખ માનીને જરા નામના શિકારીએ બાણ માર્યું હતું. એ સમયે ભગવાન કૃષ્ણ પીપળા નીચે કુરુક્ષેત્રના યુદ્ધ પછી વ્યથિત મનને શાંત કરવા માટે ધ્યાનસ્થ મુદ્રામાં બેઠા હતા. વાસ્તવિકતાનો ખ્યાલ આવતાં ‘જરા’ને ખૂબ પસ્તાવો થયો હતો. ભગવાન કૃષ્ણે તેનો અપરાધ માફ કરીને શિકારીને આશીર્વાદ આપ્યા હતા.
અહીં ભગવાન કૃષ્ણનાં દર્શન માટે મંદિર આખું અઠવાડિયું સવારે 6.00થી સાંજના 6.00 સુધી ખુલ્લું રહે છે. ભગવાન કૃષ્ણના ભક્તો આ મંદિરમાં પોતાના આરાધ્ય દેવના દર્શન કરવા માટે સતત આવતાં હોય છે.
મુખ્ય આકર્ષણો:
કૃષ્ણ મંદિર: ભગવાન કૃષ્ણની મૂર્તિ છે, જ્યાં તેઓને તીરો વાગેલા દર્શાવવામાં આવ્યા છે.
તીરનું સ્તંભ: તીર વાગ્યાની સ્થાનની નિશાની માટે સ્થાપિત સ્તંભ.
પ્રાર્થના અને પૂજા: યાત્રાળુઓ પૂજા અર્ચના અને પ્રાર્થના માટે આવે છે.
ભાલકા તીર્થ સોમનાથ ધામની યાત્રા કરતા લોકો માટે મહત્વપૂર્ણ ધર્મસ્થળ છે અને તે ગુજરાતના સમૃદ્ધ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાનો એક ભાગ છે.