બહુચરાજી: ચાણસ્મા, પાટણ
પાટણ જિલ્લાના બેચરજ પાસે ચાણસ્મા ગામમાં મા બહુચરાજીનું મંદિર આવેલું છે. આ મંદિર ઇ.સ. 1783માં બાંધવામાં આવ્યું હતું અને મંદિરના પથ્થરોમાં અદ્ભુત કોતરણીકામ જોવા મળે છે.
ગુજરાતના મુખ્ય શક્તિપીઠોમાંનું એક એવું આ બહુચર માતાનું મંદિર ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે અને દુનિયાભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ અહીં માતાજીની પૂજા-અર્ચના કરવા માટે આવે છે.
બહુચર માતાના આ મંદિરમાં દેવીનું બાળા ત્રિપુરસુંદરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. પુરાણો અનુસાર, બહુચરાજી વિસ્તારનાં ચુંવાળ રાજ્યમાં દંડાસરનું શાસન હતું. તેથી ચુંવાળ રાજ્યનું પાટનગર ત્યારે દૈત્યરાજપુર (હાલનું દેત્રોજ) હતું. દેવી બહુચરાએ દંડાસરને હરાવ્યો અને દેવોને તેની ચુંગલમાંથી છોડાવ્યા. ચૈત્રી પૂનમ અને આસો સુદ પૂનમ એમ બે દિવસ માતાજીની સવારી 3 કિ.મી.ના અંતરે આવેલા આદ્યસ્થાનક શંખલપુર જાય છે માતાજીના ચાર હાથમાં ઉપરના જમણા હાથમાં તલવાર, ઉપરના ડાબા હાથમાં શિક્ષાપત્રી, નીચેનો જમણો હાથ અભયમુદ્રામાં અને નીચેના ડાબા હાથમાં ત્રિશૂળ છે. માતા કૂકડા પર બિરાજમાન છે. જેમને સંતાન ન હોય તેઓ બહુચરાજીની માનતા માને છે. માતા બહુચરાજી કિન્નરોનાં પણ આરાધ્યા દેવી છે.