સાફલ્ય ગાથા : છોટાઉદેપુરના રહેવાસી દંપતીએ રાજ્ય સરકારશ્રીની સહાય થકી ગૌ-શાળા શરૂ કરી કારમી મજૂરીમાંથી છૂટકારો મેળવ્યો.
- વેચાતભાઇ ચાપરીયા,પશુપાલક, છોટાઉદેપુર
ભુજ, શુક્રવાર
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ચાપરીયા ગામના રહેવાસી પતિ-પત્નિ વેચાતભાઇ તથા મનીષાબેન ચાપરીયા અગાઉ ખેતરોમાં કારમી મજૂરી કરી પરિવારનું માંડ માંડ ભરણપોષણ કરી શકતા હતા. પરંતુ આજે તેઓ રાજ્ય સરકારની મદદથી શરૂ કરેલા પશુપાલનના વ્યવસાય થકી આત્મનિર્ભર બનવા સાથે પોતાના બાળકોને સારો અભ્યાસ કરાવવા સક્ષમ બન્યા છે. ભુજ ખાતે આયોજિત શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહમાં ભાગ લેવા આવેલા આ દંપતિ પૈકી મનીષાબેનનું કૃષિમંત્રીશ્રીના હસ્તે બેસ્ટ પશુપાલક તરીકે સન્માન કરવામાં આવ્યું હતું.
આ અંગે પશુપાલક વેચાતભાઇએ જણાવ્યું હતું કે, અગાઉ ખેતરમાં મજૂરી કામ કરતા હતા જેમાંથી પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ હતું. પરંતુ પશુપાલનના વ્યવસાયમાં જોડાયા બાદ અમારી આર્થિક સ્થિતિતો સુધરી છે સાથે સાથે અમે અન્યોને પણ માર્ગદર્શન આપી રહ્યા છીએ. તેઓ વધુમાં ઉમેરે છે કે, પશુ ખરીદીથી લઇને તેના શેડ બનાવવા, તેમના આરોગ્ય વગેરે તમામ કક્ષાએ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લીધો છે. આજે અમારી પાસે ૩૫ ગાય છે. જેની દૂધની આવક થાય છે તેમાંથી માસિક ખૂબ જ સારો નફો મળી રહ્યો છે. આ તમામ દૂધ અમે ડેરીમાં ભરાવીએ છીએ, આમ, ખર્ચ, મજૂરી વગેરે બાદ કરતા માસિક ૫૦ ટકા નફો થઇ રહ્યો છે. સાથે પ્રાકૃતિક ખેતી પણ કરતા હોવાથી આ ગાયો તેમાં પણ ઉ૫યોગી બની રહી છે. અમે રાજ્ય સરકારના આભારી છીએ કે, તેઓ અમારા જેવા ગરીબોના બેલી બનીને ખરા અર્થમાં તમામ પ્રકારે મદદરૂપ બનવા સાથે સન્માન કરીને પ્રોત્સાહિત પણ કરી રહ્યા છે.
#infokutchgog #kutch #સાફલ્ય ગાથા