વાંસદામાં આદિવાસી સમાજની ચિંતન શિબિર : સામાજિક એકતા અને વિકાસ તરફ એક મજબૂત પગલું.
(વાંસદા: સોમવાર) — વાંસદામાં આવેલ કૃષ્ણા નર્સિંગ કોલેજના હોલમાં આદિવાસી કોકણા, કોકણી અને કુનબી (ડાંગ) સમાજ ગુજરાત રાજ્ય દ્વારા સામાજિક એકતા અને વિકાસ માટે એક મહત્વપૂર્ણ ચિંતન શિબિર યોજાઈ. રાજ્યના વિવિધ જિલ્લાઓ — તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાંથી આવેલા પ્રતિનિધિઓએ આ શિબિરમાં ભાગ લીધો.
શિબિરનો મુખ્ય હેતુ સમાજમાં શૈક્ષણિક, આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક એકતાને મજબૂત બનાવવો હતો. આજના યુગમાં પરંપરા, સંસ્કૃતિ અને ઓળખને ટકાવી રાખવા માટે સમાજના આગેવાનો વચ્ચે વિશદ ચર્ચાઓ થઈ. ખાસ કરીને યુવાનોને સંસ્કૃતિ સાથે જોડવા, દેવી-દેવતાઓના તહેવારો અને પરંપરાગત વાજિંત્રો પ્રત્યે રસ જાળવવા માટે વિવિધ તાલુકા અને જિલ્લા સ્તરે ટીમો બનાવી કામગીરી શરૂ કરવાની યોજના બનાવી.
ચિંતન શિબિરમાં વ્યસનમુક્તિ, દુષણો, લગ્ન-મરણ પ્રસંગોમાં થતા ફાજલ ખર્ચા જેવા મુદ્દાઓ પર પણ ગંભીર ચર્ચા થઈ. ગ્રામ્ય સ્તરે નીતિવિષયક જવાબદારીઓ સ્થાનિક સંગઠનને સોંપવામાં આવી. સાથે જ જળ, જંગલ, જમીન અને પર્યાવરણના સંરક્ષણ સાથે ખેતી, ધંધો અને યુવાનોમાં આત્મનિર્ભરતા લાવવા માટે દિશા-નિર્દેશ આપ્યા.
શિબિરની અધ્યક્ષતા શ્રી આનંદભાઈ બાગુલએ કરી, જ્યારે ડો. મધુભાઈ ગાયકવાડ, શ્રી કાશીરામભાઈ બિરારી, જગદીશભાઈ પટેલ, કાંતિભાઈ કુનબી, વિનયભાઈ ભોયા, ડાહ્યાભાઈ વાઢું, મણીભાઈ ભુસારા અને દિનેશભાઈ ખાંડવી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા.
વિશેષરૂપે, ચિંતન શિબિરમાં આદિવાસી સાહિત્યમાં “કંસરીની કથા” જેવા લોકપ્રિય સર્જન પર પણ ચર્ચા થઈ. ખેરગામ-ચીખલીના શ્રી ડાહ્યાભાઈ વાઢું દ્વારા ૨૬ ઑક્ટોબર ૨૦૨૫ના રોજ કપરાડા ખાતે થનારી આદિવાસી સાહિત્ય મંચ પર “કંસરી કથા” વિષયક પુસ્તકનું વિમોચન થવાનું નક્કી થયું.
આ ચિંતન શિબિર આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ અને વિકાસ માટે એક નવી દિશા આપતું ઐતિહાસિક આયોજન સાબિત થયું.