ડેબરપાડા પ્રાથમિક શાળાનો જ્ઞાનવર્ધક શૈક્ષણિક પ્રવાસ યોજાયો.
ખેરગામ તાલુકાની ડેબરપાડા પ્રાથમિક શાળા દ્વારા તાજેતરમાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક પ્રવાસમાં શાળાના કુલ ૫૦ વિદ્યાર્થીઓ તેમજ ૬ શિક્ષકો ઉત્સાહભેર જોડાયા હતા.
પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ અમદાવાદ ખાતે આવેલ કાંકરિયા પ્રાણીસંગ્રહાલય અને સાયન્સ સિટીની મુલાકાત લઈ પ્રાણીજગત તથા વિજ્ઞાન સંબંધિત માહિતી પ્રાપ્ત કરી. ત્યારબાદ વૈષ્ણોદેવી મંદિર અને અક્ષરધામ મંદિરમાં દર્શન કરી ધાર્મિક તથા સાંસ્કૃતિક મૂલ્યોને સમજી શક્યા. આ ઉપરાંત દાંડી કુટીર અને વિધાનસભા ગૃહની મુલાકાતથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ઇતિહાસ, લોકશાહી પ્રક્રિયા તથા સ્વાતંત્ર્ય સંગ્રામ અંગેની સમજ વિકસિત થઈ. પ્રવાસ અંતે યાત્રાળુઓ ડાકોર ખાતે દર્શન કરી સલામત રીતે પરત ફર્યા.
આ શૈક્ષણિક પ્રવાસથી વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે રસ વધ્યો તેમજ અનુભવ આધારિત શિક્ષણનો ઉત્તમ લાભ મળ્યો હોવાનું શાળાના શિક્ષકવર્ગે જણાવ્યું હતું.




