ખેરગામની મિશન ફળિયા પ્રાથમિક શાળાનો સ્ટેચ્યુ ઑફ યુનિટી અને પોઇચા ખાતે શૈક્ષણિક પ્રવાસ સફળતાપૂર્વક યોજાયો.
આ શૈક્ષણિક પ્રવાસનો હેતુ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકથી આગળ વધીને ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પર્યાવરણીય જ્ઞાનનો જીવંત અનુભવ કરાવવાનો હતો. સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે વિદ્યાર્થીઓએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, સ્વતંત્રતા સંઘર્ષમાં તેમના અમૂલ્ય યોગદાન અને રાષ્ટ્રીય એકતાના મહત્ત્વ વિશે જાણકારી મેળવી. ત્યાંનો ઇલેક્ટ્રિક એસ્કેલેટરનો નવો અનુભવ બાળકો માટે અદભૂત અને રોમાંચક રહ્યો, જે તેમના માટે યાદગાર ક્ષણ બની ગયો.
ત્યારબાદ પોઇચા ખાતેના આધ્યાત્મિક અને પ્રાકૃતિક પરિસરમાં વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ, પર્યાવરણ સંરક્ષણ તથા શિસ્તના મૂલ્યોને નજીકથી સમજ્યા. સમગ્ર પ્રવાસ દરમિયાન શિક્ષકશ્રીઓ દ્વારા સતત માર્ગદર્શન અને સંભાળ રાખવામાં આવી હતી, જેના કારણે પ્રવાસ શિક્ષણપ્રદ સાથે સાથે આનંદદાયક અને સ્મરણિય બની રહ્યો.
ઉલ્લેખનીય છે કે આ શાળામાં અભ્યાસ કરતા આશરે ૯૦ ટકા વિદ્યાર્થીઓ આદિવાસી સમાજના અત્યંત ગરીબ પરિવારોમાંથી આવે છે અને હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે. આવા બાળકો માટે પોતાના ગામ કે તાલુકા પેલેસ સિવાયના સ્થળો જોવા મળવું સ્વપ્ન સમાન હોય છે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓએ આ પહેલાં ક્યારેય અન્ય સ્થળોની મુલાકાત લીધી નહોતી.
આ શૈક્ષણિક પ્રવાસ શિક્ષકોના આર્થિક સહયોગ વિના શક્ય બન્યો ન હોત. સમર્પણભાવથી ગરીબ વિદ્યાર્થીઓને વિશ્વનો અનુભવ કરાવનાર મિશન ફળિયા પ્રાથમિક શાળાની શિક્ષિકા બહેનોને હૃદયપૂર્વક વિશેષ અભિનંદન.






