ખેરગામના વાડ ગામે ડીડીઓશ્રી પુષ્પલતા (IAS) મેડમની અધ્યક્ષતામાં લોકસંવાદ કાર્યક્રમ યોજાયો.
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના વાડ ગામે તા. ૩૧-૧૨-૨૦૨૫, બુધવારના રોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શ્રીમતી પુષ્પલતા (IAS) મેડમની અધ્યક્ષતામાં ભવ્ય ‘લોકસંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકશાહીમાં પ્રજા અને પ્રશાસન વચ્ચે સેતુ મજબૂત બને અને ગ્રામ્ય સ્તરે પ્રશ્નોનું તાત્કાલિક તથા અસરકારક નિરાકરણ થાય તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.
વાડ મુખ્ય પ્રાથમિક શાળા પી.એમ.શ્રી–ગુજરાતના પટાંગણમાં સાંજે ૩.૪૫ કલાકે જિલ્લા વિકાસ અધિકારીશ્રીના આગમન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો. દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના બાદ ઉપસરપંચશ્રી તથા શાળાના આચાર્યશ્રીએ પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કર્યું. શાળાના આચાર્યશ્રી કિરીટકુમાર બી. પટેલે ગામના ઇતિહાસ અને વિકાસ અંગે સંક્ષિપ્ત માહિતી આપી.
લોકસંવાદ સત્ર દરમિયાન ગ્રામજનોએ પીવાના પાણીની લાઈન, આંતરિક રસ્તાઓ, સ્વચ્છતા, આરોગ્ય સેવાઓ, ખેતી માટેની સબસિડી, પાક વિમા અને વીજળી સંબંધિત પ્રશ્નો રજૂ કર્યા. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તમામ રજૂઆતો ધીરજપૂર્વક સાંભળી અને ઉપસ્થિત તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તથા તલાટી કમ મંત્રીને તાત્કાલિક કાર્યવાહી માટે સૂચના આપી.
કાર્યક્રમ બાદ તેમણે શાળાની મુલાકાત લઈ ધોરણ-૧ના વર્ગખંડ, પરિસર તથા કોમ્પ્યુટર લેબનું અવલોકન કર્યું અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો. તેમજ શાળાની બાજુમાં આવેલ આંગણવાડી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી.
અંતે શાળાના ઉપશિક્ષક શ્રી ધર્મેશકુમાર એસ. પટેલ દ્વારા આભારવિધિ અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ પૂર્ણ થયો. લોકસંવાદથી ગ્રામજનોમાં સરકાર પ્રત્યે નવી આશા અને વિશ્વાસનો સંચાર થયો.





