વારલી કળાની ઓળખ બની ખેરગામની દીકરી સ્વાતિ હિરેનકુમાર પટેલ
સ્વાતિ હિરેનકુમાર પટેલે વારલી પેઇન્ટિંગ અને ભીતચિત્રોના ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે. સ્વાતિબેન એક આદિવાસી પરિવારની દીકરી છે. તેમનો જન્મ નટવરલાલ મણીલાલ પટેલ, ફોરેસ્ટ ઓફિસરના ઘરે થયો હતો. બાળપણથી જ પ્રકૃતિપ્રેમી અને સંસ્કારી વાતાવરણમાં ઉછર્યા હોવાથી શ્રદ્ધા, વિશ્વાસ અને મહેનત જેવા ગુણો તેમના જીવનમાં સહજ રીતે વિકસ્યા છે.
સ્વાતિબેને 2010માં બીએ મહેતા કલા વિદ્યાલય, અમલસાડ ખાતે એટીડી (Art Teacher Diploma) પૂર્ણ કર્યો. બાળપણથી જ કળાપ્રત્યે ઊંડો લગાવ ધરાવતી સ્વાતિબેન જ્યારે એટીડીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે તેમના લગ્ન થયા. આ સમયગાળા દરમિયાન તેમના પતિ શ્રી હિરેનકુમાર પટેલે અભ્યાસ પૂર્ણ કરવા માટે પૂરતો સહકાર અને પ્રેરણા આપી.
2011માં સ્વાતિબેન અને હિરેનકુમારના ઘરે કુદરતની કૃપાથી બે ફૂલ જેવી કોમળ જોડિયા દીકરીઓનો જન્મ થયો. શરૂઆતમાં બાળકોના ઉછેરને કારણે કળાને થોડો વિરામ આપવો પડ્યો, પરંતુ દીકરીઓ મોટી થવા લાગી ત્યારે સ્વાતિબેને ફરીથી પોતાની અંદર રહેલી ડ્રોઇંગ અને પેઇન્ટિંગની કળાને જીવંત કરી. પતિ હિરેનકુમારે તેમની પ્રતિભાને ઓળખી કલા વિકાસ માટે જરૂરી સામગ્રી અને સતત પ્રોત્સાહન આપ્યું.
રૂબરૂ મુલાકાત દરમિયાન સ્વાતિબેને જણાવ્યું કે શરૂઆતમાં તેમણે પોતાના ઘરની દીવાલો તેમજ પડોશીઓના ઘરોમાં નાના-મોટા પેઇન્ટિંગ્સ બનાવ્યા. ત્યારબાદ સોશિયલ મીડિયા પર પોતાની કળાનું પ્રદર્શન શરૂ કર્યું, જ્યાંથી તેમને લોકપ્રશંસા મળવા લાગી. પરિણામે સ્કૂલોમાં વોલ પેઇન્ટિંગ, વારલી પેઇન્ટિંગ ફ્રેમ્સ સહિત અનેક કામો મળવા લાગ્યા.
પરિવારજનો, મિત્રો અને વડીલોના સહકારથી સ્વાતિબેને પોતાની દુકાન શરૂ કરવાનો નિર્ણય લીધો. બે વર્ષના સંઘર્ષ બાદ તા. 17-07-2024ના રોજ બગલાદેવ સર્કલ, ચીખલી ખાતે “આર્ટ ગેલેરી ગિફ્ટ શોપ” નામની દુકાનનો શુભારંભ આદિવાસી પૂજા વિધિ સાથે કરવામાં આવ્યો.
દુકાન શરૂ થયા પછી તેમની કળાને નવી ઊંચાઈ મળી. નવેમ્બર 2024માં ધોડિયા સમાજ સુરખાઈ ખાતે યોજાયેલ નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેરમાં તેમણે ભાગ લીધો, જ્યાંથી તેમને અમૂલ્ય પ્રતિભાવ અને સારી ખરીદી મળી. તેમની કળાની વ્યાપક પ્રશંસા થઈ.
શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ સુરખાઈ દ્વારા પ્રસિદ્ધ થતાં 18માં દ્વિ વાર્ષિક અંકમાં સ્વાતિ પટેલના જીવન વિશેનો લેખ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.




