રસાકસીભર્યા ફાઇનલ મુકાબલામાં વાંસદા વિજેતા, ખેરગામ રનર-અપ
તારીખ 10 અને 11ના રોજ નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં નવસારી જિલ્લાના છ તાલુકાની તમામ મહિલા ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સ્પર્ધાના સેમી ફાઇનલમાં ચીખલી, વાંસદા, નવસારી અને ખેરગામ તાલુકાની ટીમોએ સ્થાન મેળવ્યું હતું. પ્રથમ સેમી ફાઇનલ વાંસદા અને નવસારી વચ્ચે રમાઈ, જેમાં વાંસદા તાલુકાની ટીમ વિજય મેળવી ફાઇનલમાં પહોંચી હતી.
બીજી સેમી ફાઇનલ ચીખલી અને ખેરગામ વચ્ચે અત્યંત રસાકસીભરી રહી, જેમાં મેચ ટાઈ થયા બાદ સુપર ઓવરમાં ખેરગામની ટીમે જીત મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ફાઇનલ મુકાબલો વાંસદા અને ખેરગામ વચ્ચે રમાયો, જેમાં છેલ્લી ઓવર સુધી ચાલેલી કડક સ્પર્ધા બાદ વાંસદા તાલુકાની ટીમ ચેમ્પિયન બની હતી. આ ટુર્નામેન્ટે મહિલા શિક્ષકોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ અને ટીમ ભાવનાને મજબૂત બનાવી.



