નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ સફળ; વાંસદા તાલુકાની ટીમ ચેમ્પિયન.
નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તારીખ ૧૦ અને ૧૧ના રોજ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં નવસારી જિલ્લાના છ તાલુકાની તમામ મહિલા ક્રિકેટ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રમતગમત પ્રત્યેની પોતાની પ્રતિભા દર્શાવી હતી.
સ્પર્ધાના સેમી ફાઇનલમાં ચીખલી, વાંસદા, નવસારી અને ખેરગામ તાલુકાની ટીમોએ સ્થાન મેળવ્યું હતું. પ્રથમ સેમી ફાઇનલ વાંસદા અને નવસારી તાલુકાની ટીમો વચ્ચે યોજાઈ હતી, જેમાં વાંસદા તાલુકાની ટીમે વિજય મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
બીજી સેમી ફાઇનલ ચીખલી અને ખેરગામ તાલુકા વચ્ચે અત્યંત રસાકસીભરી રહી હતી. મેચ ટાઈ થતાં સુપર ઓવર રમાડવામાં આવી, જેમાં ખેરગામ તાલુકાની ટીમ વિજયી બની ફાઇનલમાં પહોંચી હતી.
ફાઇનલ મુકાબલો વાંસદા અને ખેરગામ તાલુકાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે રમાયો હતો. છેલ્લી ઓવર સુધી ચાલેલી કડક અને રોમાંચક સ્પર્ધા બાદ વાંસદા તાલુકાની ટીમે વિજય મેળવી ચેમ્પિયન બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો હતો. વાંસદા ટીમનું નેતૃત્વ કેપ્ટન સુશીલાબેન પટેલ તથા ઉપ કપ્તાન મધુબેન પટેલે કર્યું હતું.
આ ટુર્નામેન્ટ દ્વારા મહિલા શિક્ષકોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ, ટીમ ભાવના અને આરોગ્ય જાગૃતિને નવી દિશા મળી છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ સર્વત્ર પ્રશંસનીય અને પ્રેરણાદાયી રહ્યું હતું.
ટુર્નામેન્ટના અંતે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી અજુવેન્દ્ર પટેલ અને મહામંત્રી શ્રી હિતેશકુમાર પટેલના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અજુવેન્દ્ર પટેલ, મહામંત્રીશ્રી હિતેશકુમાર પટેલ, કોષાધ્યક્ષ ચંદ્રકાંત ભાયજુભાઈ ગાયકવાડ, ધનસુખભાઈ ટંડેલ, ઉપપ્રમુખશ્રી ચંદ્રેશ કુમાર પટેલ, ખજાનચીશ્રી ભાવેશકુમાર, સહમંત્રીશ્રી ધર્મેશકુમાર પટેલ અને નવસારી, જલાલપોર ગણદેવી ચીખલી અને ખેરગામ તાલુકાના ઘટક સંઘના પ્રમુખશ્રીઓ સહિત હોદ્દેદારો અને વાંસદા ઘટક સંઘના પ્રમુખશ્રી ભરતભાઈ થોરાત, મહામંત્રીશ્રી જીગરસિંહ પરમાર સહિત સંઘની ટીમ તરફથી વિજેતા વાંસદા તાલુકાની મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન સાથે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.






