શિક્ષણક્ષેત્રે દાયકાઓની સેવા બાદ ખેરગામ તાલુકાની રૂઝવણી (પટેલ ફળિયા) પ્રાથમિક શાળાના શિક્ષક દંપતી અશોકભાઈ પટેલ અને દક્ષાબેન પટેલ નિવૃત્ત.
નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત રૂઝવણી પટેલ ફળિયા પ્રાથમિક શાળા, તા. ખેરગામ ખાતે શાળાના મુખ્ય શિક્ષક શ્રી અશોકભાઈ નાનાભાઈ પટેલ તથા ઉપ શિક્ષિકા શ્રીમતી દક્ષાબેન સોમાભાઈ પટેલના નિવૃત્તિ પ્રસંગે સન્માન સમારંભ યોજાયો હતો.
શ્રી અશોકભાઈ પટેલે ૩૮ વર્ષથી વધુ સમય શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક સેવા આપી છે. તા. ૨૦-૦૮-૨૦૧૫ના રોજ રૂઝવણી પટેલ પ્રાથમિક શાળામાં જોડાયા બાદ તેમના માર્ગદર્શન અને મહેનતથી શાળાની શૈક્ષણિક ગુણવત્તા તથા વિદ્યાર્થીઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી. તેઓ પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડથી પણ સન્માનિત થયા છે.
ઉપ શિક્ષિકા શ્રીમતી દક્ષાબેન સોમાભાઈ પટેલે ૩૯ વર્ષથી વધુ સમય સેવા આપી ધોરણ ૧ થી ૨ના બાળકોના સંસ્કારઘડતરમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. શૈક્ષણિક કાર્ય ઉપરાંત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ તેમણે નોંધપાત્ર કામગીરી કરી હતી.
નિવૃત્તિ પ્રસંગે શાળા પરિવાર, ગ્રામજનો અને વાલીઓ દ્વારા બંને શિક્ષકોને શાલ, સ્મૃતિચિહ્ન તથા સન્માનપત્ર અર્પણ કરી ભાવભર્યું વિદાય સન્માન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિતોએ તેમના ઉજ્જવળ ભવિષ્ય, સ્વસ્થ જીવન અને સતત સેવાભાવ માટે શુભેચ્છાઓ પાઠવી.
સન્માન સમારંભના પ્રમુખશ્રી ફતેહસિંહ સોલંકી (પૂર્વ પ્રમુખશ્રી શિક્ષક સંઘ ખેરગામ) ગામના અગ્રણી આગેવાન ઈશ્વરભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, ખેરગામ બીઆરસી વિજયભાઈ પટેલ, નાંધઈ પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી જીતુભાઈ પટેલ એસએમસીનાં અધ્યક્ષ સહિત સભ્યો, શિક્ષકો, મુખ્યશિક્ષકો અને ખેરગામ શિક્ષક સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા.






