નાંધઈ પ્રાથમિક શાળામાં ‘બેગલેસ ડે’ની અનોખી ઉજવણી
બાળકોએ ટોપલા-ટોપલી બનાવવાની પરંપરાગત કળા નિહાળી
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં તા. ૧૦/૦૧/૨૦૨૬, શનિવારના રોજ ‘બેગલેસ ડે’ અંતર્ગત વિશેષ શૈક્ષણિક પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે વિદ્યાર્થીઓ દફતરના ભાર વગર શાળાએ આવીને વ્યવહારિક અને જીવનલક્ષી શિક્ષણનો આનંદ માણ્યો હતો.
કાર્યક્રમમાં ખેરગામના વતની અને કુશળ વ્યવસાયકાર શ્રી બચુભાઇ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વાંસમાંથી ટોપલા તથા ટોપલી બનાવવાની પરંપરાગત કળાનું જીવંત પ્રદર્શન કરી બતાવ્યું હતું. વાંસને ચીરવાથી માંડીને તેને ગૂંથવાની સમગ્ર પ્રક્રિયા તેમણે સરળ અને રસપ્રદ રીતે સમજાવી હતી.
આ પ્રવૃત્તિ દરમિયાન શાળાના અંદાજે ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રદર્શન નિહાળ્યું અને શ્રમનું મહત્વ, પરંપરાગત કળાનું ગૌરવ તેમજ સ્વરોજગારની શક્યતાઓ અંગે સમજ મેળવી. વિસરાતી જતી આવી કળાઓ પ્રકૃતિ સાથે જોડાવાનો સંદેશ આપે છે અને પ્લાસ્ટિકના વિકલ્પ રૂપે વાંસની વસ્તુઓ માનવજીવન માટે આશીર્વાદરૂપ હોવાનું મહત્વ પણ બાળકોને સમજાવવામાં આવ્યું.
શાળાના શિક્ષકશ્રીઓએ જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સ્થાનિક લઘુ ઉદ્યોગો પ્રત્યે જાગૃતિ વધે છે અને નવીન કૌશલ્યો શીખવાની પ્રેરણા મળે છે. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ શ્રી બચુભાઇ સાથે સંવાદ કરી તેમના વ્યવસાય અંગે પ્રશ્નો પુછી પોતાની ઉત્સુકતા સંતોષી હતી.
સમગ્ર કાર્યક્રમથી શાળામાં શિક્ષણ સાથે આનંદ અને નવીનતાનો સકારાત્મક માહોલ સર્જાયો હતો.
શાળાના આચાર્યશ્રી સ્નેહાબેન પટેલ દ્વારા બેગલેશ ડે અંતર્ગત બાળકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.






