ખેરગામ તોરણવેરાના ઢાકવાદકોની લોકપરંપરા રાષ્ટ્રીય મંચ પર ગુંજી ઉઠી.

SB KHERGAM
0

ખેરગામ તોરણવેરાના ઢાકવાદકોની લોકપરંપરા રાષ્ટ્રીય મંચ પર ગુંજી ઉઠી.



ખેરગામ: ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સરદાર પટેલ યુનિવર્સિટીના સંયુક્ત આયોજન હેઠળ વલ્લભ વિદ્યાનગર ખાતે “લોકકથા કથન શૈલી” વિષયક રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. દેશના વિવિધ રાજ્યોમાંથી લોકસાહિત્યના સંશોધકો, પ્રાધ્યાપકો અને લોકકલાપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સેમિનારમાં ખેરગામ તાલુકાના તોરણવેરા ગામના લોકકલાકાર વલ્લભ ભોયા તથા તેમની ટીમે ઢાક વાઘના તાલે ગવાતી પરંપરાગત આદિવાસી લોકકથાનું જીવંત પ્રસ્તુતિકરણ કર્યું હતું. કુકણા ભાષામાં રજૂ થયેલી આ કથાગાયકીમાં ઢાક, થાળી અને ઘાંઘળી જેવા પરંપરાગત વાદ્યોના સંગાથે અનોખું સંગીતમય માહોલ સર્જાયો હતો, જેને ઉપસ્થિત મહાનુભાવોએ ખૂબ જ સરાહ્યું હતું.

સેમિનારમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશની લોકકથા પરંપરાઓનું પ્રદર્શન અને શૈક્ષણિક પરિષદો દ્વારા તેના ઐતિહાસિક, ભાષાશાસ્ત્રીય અને સાંસ્કૃતિક પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં જીવંત રહેલી કથાગીત પરંપરાએ સંશોધકોમાં વિશેષ રસ જગાવ્યો હતો.

તોરણવેરા-બારતાડ વિસ્તારના ભોયાકુળના ઢાકવાદકો પેઢી દર પેઢી દેવકાર્ય, લોકઉત્સવો અને ધાર્મિક પ્રસંગોમાં કથાગીતો રજૂ કરતા આવ્યા છે. તેમની કથાઓમાં જળપ્રલયની કલ્પના, નવી ધરતીની રચના, જીવસૃષ્ટિનો વિકાસ, માનવ જીવનના મૂલ્યો અને જીવન-મરણના તત્ત્વજ્ઞાન જેવા વિષયો લોકભાષામાં સરળ અને સંગીતમય રીતે રજૂ થાય છે, જે આદિવાસી સમાજની પ્રાચીન જ્ઞાનપરંપરાને પ્રતિબિંબિત કરે છે.

રાષ્ટ્રીય સ્તરે મળેલી આ ઓળખથી સ્થાનિક લોકકલાકારોમાં નવી ઊર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થયો છે. સાથે જ આદિવાસી લોકસંસ્કૃતિના સંરક્ષણ, દસ્તાવેજીકરણ અને પ્રસાર માટે શૈક્ષણિક સંસ્થાઓ તથા સમાજ વચ્ચે સહકાર વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત વિદ્વાનોએ લોકપરંપરાના સંવર્ધન માટે યુવા પેઢીને જોડવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

પોસ્ટ સૌજન્ય : સુનિલભાઈ દભાડીયા (તોરણવેરા સરપંચશ્રી)

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top