આછવણી ગામે રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી આપ્યો પર્યાવરણ સંરક્ષણનો સંદેશ
નવસારી, તા. 19 જૂન : નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવણી ગામે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યના જતન અને હરિત આવરણના વિસ્તરણનો સંદેશ આપ્યો હતો.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી પ્રેરિત ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ વડનું વૃક્ષ વાવી ગ્રામજનોને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા તેમજ વાવેલા વૃક્ષોનું સંતાનની જેમ જતન કરવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે પ્રકૃતિ અને પર્યાવરણનું રક્ષણ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના પડકારો વચ્ચે પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ અને પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “વાવેલા વૃક્ષનું જતન ન કરવું અને તેને સુકાવા દેવું એ ભ્રૂણહત્યા સમાન પાપ છે.”
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પ્રકૃતિનું જતન એ જ જીવન અને સંસ્કૃતિના વિકાસનો પાયો છે. તેમણે પાણી, પેટ્રોલ અને અન્ય કુદરતી સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગની અપીલ કરી હતી તેમજ જળસંચય અને તળાવોના સંવર્ધન માટે સૌના સહિયારા પ્રયાસોની જરૂરિયાત દર્શાવી હતી.
સ્થાનિક ગ્રામજનોના સહયોગથી કુલ 0.75 હેક્ટર વિસ્તારમાં લીમડો, પીપળ, વડ, બીલી, કાજુ, કદમ, સેવન, બહેડા સહિત 28 પ્રજાતિના 1600 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ અભિયાનથી પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યના જતન અને હરિત આવરણના વિસ્તરણને પ્રોત્સાહન મળશે.
નોંધનીય છે કે, ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં 5.50 કરોડ વૃક્ષો વાવવાનો વનવિભાગે લક્ષ્યાંક નક્કી કર્યો છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નિરાલીબેન નાયક, ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાની, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ પટેલ, નાયબ વન સંરક્ષક સુશ્રી ઉર્વશી પ્રજાપતિ, પદાધિકારીઓ, અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





