માનનીય સાંસદશ્રી ધવલ પટેલે માનનીય કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રીને પૂર્વ-2010 શિક્ષકોના TET મુદ્દે મહત્વપૂર્ણ રજૂઆત કરી.
વલસાડ લોકસભાના માનનીય સાંસદશ્રી ધવલ પટેલે તા. 08 જુલાઈ, 2026ના રોજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનને પત્ર લખી 23 ઓગસ્ટ, 2010 પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકોના સેવા હિતોના કાનૂની અને નીતિગત રક્ષણ માટે મહત્વપૂર્ણ રજૂઆત કરી છે.
સાંસદશ્રીએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે 23 ઓગસ્ટ, 2010 પહેલાં નિયુક્ત થયેલા તમામ શિક્ષકોની ભરતી તે સમયના અમલમાં રહેલા નિયમો, લાયકાતો અને કાયદાકીય જોગવાઈઓ અનુસાર સંપૂર્ણપણે કાયદેસર રીતે કરવામાં આવી હતી. આવા શિક્ષકોએ વર્ષો સુધી સમર્પિત સેવાઓ આપી દેશના શિક્ષણ ક્ષેત્રે તથા રાષ્ટ્ર નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે NCTE દ્વારા 23 ઓગસ્ટ, 2010ના રોજ જાહેર કરાયેલી TET સંબંધિત સૂચના તથા સર્વોચ્ચ અદાલતના તા. 29 મે, 2024ના ચુકાદાને પગલે પૂર્વ-2010 શિક્ષકોમાં સેવા સુરક્ષા, વરિષ્ઠતા, બઢતી, પેન્શન અને અન્ય કાયદેસર અધિકારો અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે. આથી આવા શિક્ષકોના હકોનું કાનૂની અને નીતિગત રક્ષણ જરૂરી છે.
સાંસદશ્રીએ રજૂ કરેલી મુખ્ય માંગણીઓ:
✅ 23 ઓગસ્ટ, 2010 પહેલાં નિયુક્ત થયેલા તમામ શિક્ષકોને TETમાંથી કાયમી મુક્તિ આપવામાં આવે.
✅ સેવા, વરિષ્ઠતા, બઢતી, પેન્શન સહિતના તમામ કાયદેસર હકોના રક્ષણ માટે સ્પષ્ટ રાષ્ટ્રીય નીતિ અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે.
✅ જરૂરી જણાય તો સંબંધિત કાયદા, નિયમો અને નીતિઓમાં યોગ્ય સુધારા કરવામાં આવે.
✅ દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એકસરખી અમલવારી સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટ સૂચનાઓ બહાર પાડવામાં આવે.
સાંસદશ્રીએ પોતાના પત્રના અંતમાં જણાવ્યું છે કે આ મુદ્દો દેશભરના લાખો શિક્ષકો અને તેમના પરિવારોના જીવન, ગૌરવ અને સેવા સુરક્ષા સાથે સીધો જોડાયેલો હોવાથી કેન્દ્ર સરકાર આ બાબતે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી જરૂરી કાનૂની અને નીતિગત પગલાં ભરે તેવી તેમની અપેક્ષા છે.
જ્યારે જયારે માનનીય સાંસદશ્રી ધવલભાઈ પટેલે લોકોહિતાર્થે ઉપલી કક્ષાએ રજૂઆત કરી છે. જેની નોંધ અવશ્ય લેવાઈ જ છે. શિક્ષકોના હિતમાં કરવામાં આવેલ રજૂઆતોની પણ નોંધ લેવાશે એવી શિક્ષક સમાજ આશા સેવી રહ્યા છે.




