પોમાપાળ પ્રાથમિક શાળામાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી.
ખેરગામ: પોમાપાળ પ્રાથમિક શાળામાં દેશભક્તિના માહોલ વચ્ચે 80મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પોમાપાળ SMCના ઉપાધ્યક્ષ શ્રી હિતેશકુમાર શંકરભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોએ દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ, “વૃક્ષો આપણાં મિત્ર” તેમજ સ્વાતંત્ર્ય સંગ્રામના વિવિધ પાસાઓ અંગે ગુજરાતી ભાષામાં વક્તૃત્વ રજૂ કર્યું હતું. આઝાદીની ચળવળમાં પોતાના પ્રાણનું બલિદાન આપનાર દેશભક્તો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના અમૂલ્ય યોગદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
બાળકોના દેશભક્તિપૂર્ણ વક્તવ્યોથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમની ભાવનાથી ગુંજી ઊઠ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો, શાળા પરિવાર અને વાલીઓએ બાળકોના ઉત્સાહ અને સુંદર રજૂઆતને બિરદાવી હતી.
શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને શાળા પરિવારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને સ્વાતંત્ર્ય સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના વધુ મજબૂત બની હતી.


