વલસાડ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વે સાત પ્રતિભાશાળી ખેલાડીઓનું સન્માન.
મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરી ખેલાડીઓની સિદ્ધિઓને બિરદાવાઈ
વલસાડ, તા. ૧૭ ઓગસ્ટ: વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોંઢા તાલુકા ખાતે જિલ્લા કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવનાર સાત પ્રતિભાશાળી ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી તથા વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખેલાડીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી અર્પણ કરી તેમની પ્રતિભા, મહેનત, સાહસ અને અદમ્ય ઉત્સાહને બિરદાવવામાં આવ્યો હતો.
સન્માનિત ખેલાડીઓમાં હેનિલ દિલીપભાઈ પટેલે અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ-૨૦૨૬માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે ટીમને વર્લ્ડકપ વિજેતા બનાવવામાં યોગદાન આપ્યું હતું.
દીતા જિતેન્દ્ર પટેલે અંડર-૧૪ બહેનોની શાળાકીય રમત સ્પર્ધા ૨૦૨૫-૨૬માં કોલકાતા, પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલી જિમ્નાસ્ટિક્સ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
આલિયા બી. પટેલે અંડર-૧૪ બહેનોની શાળાકીય રમત સ્પર્ધામાં રાજ્યકક્ષાની સાઇક્લિંગ સ્પર્ધાની રોડ અને ટ્રેક ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેમણે ઝારખંડના રાંચી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો.
અંકિતકુમાર સુનિલ રામે અંડર-૧૯ ભાઈઓની શાળાકીય રમત સ્પર્ધા ૨૦૨૫-૨૬માં રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાની ૩૦૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેમણે હરિયાણા અને ભીવંડી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હતો.
મનિષ લલિતભાઈ ચૌહાણે અંડર-૧૯ ભાઈઓની શાળાકીય રમત સ્પર્ધા ૨૦૨૫-૨૬માં રાજ્યકક્ષાની એથ્લેટિક્સની ગોળાફેંક ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ઉપરાંત તેમણે ભીવંડી અને હરિયાણા ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હતો.
જયવી ભાનુશાલીએ કુડો ગેમ્સમાં સતત ચાર વર્ષથી રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવવાની સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે અન્ય અનેક રમતગમત સ્પર્ધાઓમાં પણ ભાગ લઈ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે.
જ્યારે દક્ષ મયુરભાઈ પટેલ, રહે. આમળી, સડક ફળિયું, તા. પારડી, જિ. વલસાડ, બાળપણથી જ પર્વતારોહણ ક્ષેત્રે રસ ધરાવે છે. વર્ષ ૨૦૨૧થી ૨૦૨૬ દરમિયાન તેમણે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ અનેક નોંધપાત્ર સિદ્ધિઓ અને રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
આ સાતેય ખેલાડીઓએ પોતાની પ્રતિભા અને રસના ક્ષેત્રમાં સતત મહેનત કરીને વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન તેમની સિદ્ધિઓને વિશેષ માન્યતા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સન્માનથી જિલ્લાના યુવા ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા મળશે તેમજ અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓમાં પણ ઉત્સાહ અને આત્મવિશ્વાસનો સંચાર થશે.




