ચીખલીમાં રૂ. 46.53 કરોડની 100 બેડની અદ્યતન સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું લોકાર્પણ.

SB KHERGAM
0

  

ચીખલીમાં રૂ. 46.53 કરોડની 100 બેડની અદ્યતન સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું લોકાર્પણ.



ચીખલી, નવસારી: નવસારી જિલ્લાના ચીખલી ખાતે આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રૂ. 46.53 કરોડના ખર્ચે નિર્મિત 100 બેડની અદ્યતન સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


લોકાર્પણ પ્રસંગે શ્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, અદ્યતન સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલના કારણે ચીખલી તથા આસપાસના વિસ્તારોના નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓનો વધુ સારો લાભ મળશે. દર્દીઓને સમયસર અને સંતોષકારક સારવાર મળી રહે તે આરોગ્ય સેવાઓનું મુખ્ય ધ્યેય હોવું જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.

આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ચીખલીની જૂની રેફરલ હોસ્પિટલ દ્વારા વર્ષોથી લોકોને આરોગ્ય સેવાઓ આપવામાં આવી રહી હતી. હવે આધુનિક સુવિધાઓથી સજ્જ નવી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ શરૂ થતાં વિસ્તારના નાગરિકોને વધુ સારી આરોગ્ય સેવાઓ મળશે. ખાસ કરીને બાળકો અને માતાઓને સમયસર સારવાર મળી રહે તે દિશામાં આ હોસ્પિટલ મહત્વપૂર્ણ સાબિત થશે.


આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રૂ. 46.53 કરોડના ખર્ચે નિર્મિત આ 100 બેડની હોસ્પિટલથી ચીખલી અને આસપાસના વિસ્તારોના નાગરિકોને વધુ સુવિધાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીને તેમણે બિરદાવી હતી.

નવનિર્મિત હોસ્પિટલમાં મેડિસિન, ગાયનેકોલોજી, ઓર્થોપેડિક, જનરલ સર્જરી, પીડિયાટ્રિક્સ, એનેસ્થેશિયા, ઓપ્થેલ્મોલોજી, સાયકિયાટ્રી, પેથોલોજી અને રેડિયોલોજી સહિતની વિવિધ નિષ્ણાત તબીબી સેવાઓ ઉપલબ્ધ રહેશે.


હોસ્પિટલમાં સેન્ટ્રલ મેડિકલ ઓક્સિજન સપ્લાય લાઇન, સેન્ટ્રલાઇઝ્ડ એર-કન્ડિશન્ડ ઇમરજન્સી વિભાગ, આધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર તથા દર્દીઓ માટે આધુનિક સારવાર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હોસ્પિટલની આધુનિક ઈમારત ભૂકંપ પ્રતિરોધક માળખા સાથે નિર્મિત કરવામાં આવી છે.

ચીખલી તાલુકા તેમજ આસપાસના ગામડાઓની અંદાજે 3થી 5 લાખની વસ્તીને આ હોસ્પિટલની આધુનિક આરોગ્ય સેવાઓનો સીધો લાભ મળશે. હોસ્પિટલ શરૂ થતાં ગ્રામ્ય વિસ્તારોના લોકોને સારવાર માટે દૂરના સ્થળોએ જવાની જરૂરિયાતમાં ઘટાડો થશે અને સ્થાનિક સ્તરે જ ગુણવત્તાયુક્ત તથા નિષ્ણાત તબીબી સારવાર ઉપલબ્ધ બનશે.


આ પ્રસંગે હોસ્પિટલની નર્સિંગ બહેનો, પી.આઈ.ઓ., સફાઈ કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટરનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિરાલીબેન નાયક, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાની, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણી, સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ડૉ. માલતીબેન સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ, હોસ્પિટલ સ્ટાફ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top