સાયકલિંગમાં મેડલ વિજેતા બની ખેરગામની દીકરીઓએ વલસાડનું નામ રોશન કર્યું.
વલસાડ જિલ્લાના ખેરગામની ટ્વીન્સ સિસ્ટર આરીયા પટેલ અને આલિયા પટેલે રાજ્યકક્ષાની શાળાકીય સાયકલિંગ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. 21 ડિસેમ્બર 2025ના રોજ સુરત ખાતે યોજાયેલી એસ.જી.એફ.આઈ. શાળાકીય અંડર-14 સાયકલિંગ રોડ અને ટ્રેક સ્પર્ધામાં બંને બહેનો ધોરણ-7માં અભ્યાસ કરતી હોવા છતાં શાનદાર સફળતા મેળવી. રોડ સાયકલિંગમાં આલિયા પટેલે સિલ્વર મેડલ મેળવ્યો હતો.
જ્યારે આરીયા પટેલે બ્રોન્સ મેડલ પોતાના નામે કર્યો. ઉપરાંત ટ્રેક સાયકલિંગ સ્પર્ધામાં આરીયાએ સિલ્વર મેડલ મેળવી પોતાની પ્રતિભાનો પરચો આપ્યો. આ બંને બહેનો અગાઉ બે વખત નેશનલ કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ ચૂકી છે અને તેમની સિદ્ધિ બદલ 15 ઓગસ્ટે રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી. પિતા શ્રી બિંદલ પટેલના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી બંને બહેનો આગળ વધી રહી છે અને આવનારા સમયમાં રાંચી ખાતે યોજાનારી નેશનલ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહી છે.



