ખેરગામ તાલુકાની કૃતિખડક પ્રાથમિક શાળામાં આનંદ મેળો ઉત્સાહભેર યોજાયો
ખેરગામ તાલુકાની કૃતિખડક પ્રાથમિક શાળામાં તારીખ 09/01/2026ના રોજ આનંદ મેળો ઉત્સાહભેર યોજાયો હતો. આ આનંદ મેળામાં શાળાના વિદ્યાર્થીઓએ પોતાના હાથે વિવિધ વાનગીઓના સ્ટોલ ઊભા કરી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ મેળામાં પાણીપુરી, સેવપુરી, સિકંજી, સમોસા, વડાપાંઉ, ચાઈનીઝ ભેળ, ઉંબાડિયું, સેવરોલ, મમરાભેલ, મકાઈ ભેળ, છાશ, વેફર, ખીચું, જમરૂખ, ગુલાબજાંબુ તથા ચાઈનીઝ સમોસા જેવી વિવિધ વાનગીઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, જે ગ્રામજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ આનંદ મેળો માત્ર મનોરંજન પૂરતો સીમિત ન રહી, પરંતુ વિદ્યાર્થીઓ માટે વ્યવહારુ શિક્ષણનું અસરકારક માધ્યમ સાબિત થયો. વિદ્યાર્થીઓને પૈસાની આપ-લે, હિસાબ-કિતાબ, ગ્રાહકો સાથે સંવાદ અને વ્યવહારુ અનુભવ મેળવવાનો અવસર મળ્યો, જેના કારણે ગાણિતિક કૌશલ્ય, સર્જનાત્મકતા તથા આત્મવિશ્વાસમાં વધારો થયો.
આ પ્રકારની પ્રવૃત્તિઓ શિક્ષણને મજેદાર અને અસરકારક બનાવે છે. આનંદ મેળાને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ કરેલી મહેનત ખરેખર પ્રશંસનીય રહી હતી અને આ કાર્યક્રમ અન્ય શાળાઓ માટે પ્રેરણારૂપ બન્યો છે.
આ પ્રસંગે એસએમસી અધ્યક્ષશ્રી મોહિનીબેન પટેલ, ગ્રામ પંચાયતના પ્રમુખશ્રી મીરાંબેન પટેલ, એસએમસીના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને પ્રોત્સાહન આપવા બદલ શાળાના આચાર્યશ્રી અલ્પેશભાઈ પટેલએ ઉપસ્થિત તમામ વાલીઓ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.





