ખેરગામના શિક્ષક પ્રવિણભાઈ પટેલે નેશનલ માસ્ટર એથ્લેટિક્સ ગેમ્સમાં ગોલ્ડ–સિલ્વર અને બ્રોન્ઝ મેડલ સાથે ખેરગામનું નામ રોશન કર્યું.
શિક્ષણ સાથે ખેલકૂદમાં પણ ખેરગામનો શિક્ષક અગ્રેસર
તા. 28 જાન્યુઆરી 2026ના રોજ નાસિક વિભાગીય રમતગમત સંકુલ (મીનાતાઈ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ) ખાતે યોજાયેલ નેશનલ માસ્ટર એથ્લેટિક્સ ગેમ્સમાં ખેરગામ તાલુકાએ ગૌરવપૂર્ણ હાજરી નોંધાવી છે.
ખેરગામ તાલુકાના પોમાપાળ ફળિયાના વતની તથા બહેજ પ્રાથમિક શાળાના ઉપશિક્ષક શ્રી પ્રવિણભાઈ ગુલાબભાઈ પટેલે સ્પર્ધામાં ઉમદા પ્રદર્શન કરીને બે મેડલ પોતાના નામે કર્યા.
તેમણે 10,000 મીટર દોડમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ તથા 400 મીટર દોડમાં દ્વિતીય સ્થાન મેળવી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો. જયારે તારીખ 29 મી જાન્યુઆરીએ યોજાયેલ 800 મીટર દોડમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
શિક્ષક હોવા સાથે ખેલકૂદમાં પણ ઉત્તમ પ્રતિભા ધરાવતા શ્રી પટેલની આ સફળતાએ ખેરગામ તાલુકા, બહેજ પ્રાથમિક શાળા અને પોમાપાળ ફળિયાને ગૌરવ અપાવ્યું છે. તેમની સિદ્ધિ અન્ય શિક્ષકો અને યુવાનો માટે પ્રેરણારૂપ બની છે.




