શૈક્ષણિક રમકડાં પર નવતર ઇનોવેશન રજૂ કરનાર ખેરગામની શિક્ષિકાને સન્માન.
નવસારી : ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT), ગાંધીનગરની પ્રેરણાથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ 2025–26 અંતર્ગત ઉંચાબેડા–વાડ પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી હેમલતાબહેન ફકીરભાઈ પટેલ દ્વારા “શૈક્ષણિક રમકડાં” વિષય પર નવતર એજ્યુકેશનલ ઇનોવેશન રજૂ કરવામાં આવ્યું હતું.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી તથા શાસનાધિકારીશ્રીની કચેરી, નવસારી દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ ફેસ્ટિવલમાં તેમના આ નવતર પ્રયાસને વિશેષ પ્રશંસા મળી હતી. બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખી NEP–2020 આધારિત આ ઇનોવેશન બદલ શિક્ષિકાને ડાયટના પ્રાચાર્યશ્રી ડૉ. યોગેશભાઈ પટેલ સાહેબના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું.
ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રીશ્રી કિરીટભાઈ પટેલ સહિત હોદ્દેદારો અને નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સહમંત્રી શ્રી ધર્મેશકુમાર પટેલ દ્વારા અભિનંદન સાથે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.




