શ્રી દત્ત આશ્રમ જન સેવા ટ્રસ્ટ દ્વારા ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી

SB KHERGAM
0

 

શ્રી દત્ત આશ્રમ જન સેવા ટ્રસ્ટ દ્વારા ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી.

ડેપ્યુટી સરપંચ તથા પત્રકાર જીગ્નેશભાઈ પટેલના હસ્તે ધ્વજારોહણ; સેવાભાવી કાર્ય બદલ સન્માન

ખેરગામ, નવસારી: શ્રી દત્ત આશ્રમ જન સેવા ટ્રસ્ટ, સરસિયા, ખેરગામ દ્વારા સંચાલિત શ્રી રંગ વિદ્યા મંદિર, સરસિયા ખાતે તા. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તથા પત્રકાર શ્રી જીગ્નેશભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી બાદ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગીત ગાઈ દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી.

આ પ્રસંગે શ્રી જીગ્નેશભાઈ પટેલના સામાજિક અને સેવાભાવી અભિગમને બિરદાવવામાં આવ્યો હતો. પત્રકાર તરીકે તેઓ સ્થાનિક લોકોના પ્રશ્નોને વાચા આપી તેને સંબંધિત તંત્ર સુધી પહોંચાડવા તેમજ તેના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહેતા હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું હતું.


તેમના લોકસેવા અને સામાજિક યોગદાનને માન આપી શ્રી દત્ત આશ્રમ જન સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી જીગ્નેશભાઈ પટેલને સન્માન પત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માન પત્રમાં ધ્વજવંદન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી સંસ્થાના બાળકો અને સભ્યોને પ્રોત્સાહન તથા માર્ગદર્શન આપવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સન્માન સ્વીકાર્યા બાદ શ્રી જીગ્નેશભાઈ પટેલે દેશના અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું હતું કે, “માતૃભૂમિની સ્વતંત્રતા, અસ્મિતા અને સન્માન માટે જીવનનું બલિદાન આપનારા દેશના અમર શહીદોને શત શત વંદન. અમે આઝાદીનું રક્ષણ કરીશું. આપણને જે આઝાદ ભારત મળ્યું છે એ ભારતને આપણે હવે સર્વશ્રેષ્ઠ ભારત બનાવીએ એ આપણી સૌની જવાબદારી અને ફરજ છે.”

તેમણે બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર, દેશપ્રેમ, મહેનત અને સમાજસેવાના મૂલ્યો જીવનમાં ઉતારવા તેમજ જવાબદાર નાગરિક બની રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા.

આ પ્રસંગે મેનેજિંગ ટ્રસ્ટી તથા ડિરેક્ટર શ્રી આદિત્યભાઈ પટેલ સહિત ટ્રસ્ટના સભ્યો, બાળકો અને ઉપસ્થિત મહાનુભાવોએ ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

શ્રી રંગ વિદ્યા મંદિર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં શિક્ષણ, દેશભક્તિ અને સેવાભાવના સંકલ્પને વધુ મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

“દેશભક્તિ માત્ર ઉજવણીમાં નહીં, પરંતુ સમાજ અને રાષ્ટ્રના હિત માટે નિષ્ઠાપૂર્વક કરવામાં આવતી સેવા અને જવાબદારીમાં જીવંત રહે છે.”

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top