તોરણવેરામાં પોષણ ઉત્સવ: મિલેટ્સ અને THRમાંથી 50થી વધુ પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન.
ખેરગામ, તા. 25 ઓગસ્ટ 2026: ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની નિશાળ ફળિયા આંગણવાડી કેન્દ્ર ખાતે સંકલિત બાળ વિકાસ સેવા યોજના હેઠળ તોરણવેરા સેજાના આંગણવાડી કેન્દ્રોનો પોષણ ઉત્સવ યોજાયો હતો. ડૉ. ચિરાગ ગાવિતના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં પોષણ અંગે જાગૃતિ ફેલાવવા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોષણ ઉત્સવ દરમિયાન મિલેટ્સ એટલે કે જાડાધાન્ય તેમજ આંગણવાડી કેન્દ્રો મારફતે બાળકો, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને આપવામાં આવતી THR સામગ્રીનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલી 50થી વધુ વાનગીઓ રજૂ કરવામાં આવી હતી. પરંપરાગત અનાજ અને પોષણયુક્ત સામગ્રીમાંથી ઘરેલુ રીતે તૈયાર કરી શકાય તેવી વાનગીઓએ ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
કાર્યક્રમમાં પ્રાથમિક શાળા તોરણવેરાના પ્રિન્સિપાલ શ્રી હેમાંગભાઈ ટંડેલ, તાલુકા પંચાયત સભ્ય શિલ્પાબેન વાઢુ તથા સેજા સુપરવાઈઝર ગુણવંતીબેન હળપતિ ઉપસ્થિત રહ્યા હતા. ગામની મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રસંગે ડૉ. ચિરાગ ગાવિતે જણાવ્યું હતું કે શરીરના સર્વાંગી વિકાસ અને સારા સ્વાસ્થ્ય માટે સંતુલિત આહાર જરૂરી છે. ખોરાકમાં પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ સહિતના જરૂરી પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં મળવા જોઈએ. આંગણવાડી કેન્દ્રો દ્વારા આપવામાં આવતી બાળશક્તિ અને માતૃશક્તિ જેવી THR સામગ્રીનો યોગ્ય ઉપયોગ કરીને વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવી શકાય છે.
પ્રિન્સિપાલ શ્રી હેમાંગભાઈ ટંડેલે અનાજ અને કુદરતી ખાદ્ય સામગ્રીના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે સ્વસ્થ જીવન માટે પોષણનું મહત્વ સમજવું અને રોજિંદા આહારમાં પૌષ્ટિક ખોરાકનો સમાવેશ કરવો જરૂરી છે.
વાનગી પ્રદર્શનના પરિણામો
મિલેટ્સ વિભાગમાં જામનપાડા દુકાન ફળિયા કેન્દ્રના બાજરીના ઢોકળાંએ પ્રથમ સ્થાન, પાણીખડક દિપલા ફળિયા કેન્દ્રના નાગલીના ઢોકળાંએ દ્વિતીય સ્થાન અને કાકડવેરી ડવા ફળિયા કેન્દ્રના જુવારના થેપલાંએ તૃતીય સ્થાન મેળવ્યું હતું.
THR વિભાગમાં કાકડવેરી દેશમુખ ફળિયા કેન્દ્રની બાલશક્તિમાંથી તૈયાર કરાયેલી બરફીએ પ્રથમ સ્થાન, જામનપાડા કેળીપાડા કેન્દ્રની પૂર્ણાશક્તિમાંથી બનાવાયેલી તલની ચીકીએ દ્વિતીય સ્થાન અને નડગઘરી દેસાઈ ફળિયા કેન્દ્રની બાલશક્તિમાંથી બનાવાયેલી મુઠીયાએ તૃતીય સ્થાન મેળવ્યું હતું.
કાર્યક્રમનું સંચાલન હિરલબેન પરમારે કર્યું હતું. સમગ્ર આયોજનને સેજા સુપરવાઈઝર ગુણવંતીબેન હળપતિનું માર્ગદર્શન મળ્યું હતું.
તોરણવેરા ખાતે યોજાયેલ આ પોષણ ઉત્સવ દ્વારા મિલેટ્સ, સ્થાનિક અનાજ અને THR સામગ્રીના ઉપયોગથી પૌષ્ટિક આહાર તૈયાર કરી શકાય છે તે અંગે જનજાગૃતિ લાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.


