નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠકમાં સંગઠનાત્મક અને શૈક્ષણિક મુદ્દાઓ પર ચર્ચા
શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન, પૂર્વ હોદ્દેદારોને વિદાય સન્માન
જલાલપોર, તા. ૨૨ ઓગસ્ટ, ૨૦૨૬: નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક જલાલપોર કન્યાશાળાના સભાખંડમાં જિલ્લા પ્રમુખશ્રી અજુવેન્દ્ર સુમનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ તાલુકાના સંગઠનના હોદ્દેદારો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો પ્રારંભ જલાલપોર કન્યાશાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના તથા સ્વાગતગીતથી થયો હતો. જલાલપોર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બેઠકની વ્યવસ્થા માટે તાલુકા પ્રમુખશ્રી નિલેશભાઈ પટેલ તથા તેમની ટીમે કામગીરી સંભાળી હતી.
બેઠક દરમિયાન શિક્ષકોના પ્રશ્નો, સંગઠનની કામગીરી, શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા વધારવા તથા સામાજિક જવાબદારી જેવા વિવિધ વિષયો પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. ગત બેઠકના પ્રોસિડીંગનું વાચન જિલ્લા મહામંત્રીશ્રી હિતેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ વિવિધ તાલુકા સંઘોના અહેવાલો રજૂ થયા હતા. વાંસદા તાલુકા પ્રમુખશ્રી ભરતભાઈ થોરાત, ખેરગામ તાલુકા પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, નવસારી તાલુકા પ્રમુખશ્રી હેમંતસિંહ ચૌહાણ, ગણદેવી તાલુકા પ્રમુખશ્રી કલ્પેશકુમાર ટંડેલ, જલાલપોર તાલુકા પ્રમુખશ્રી નિલેશભાઈ પટેલ તથા ચીખલી તાલુકા પ્રમુખશ્રી હિતેશકુમાર પટેલ દ્વારા પોતાના તાલુકાની કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી.
બેઠકમાં અગાઉ યોજાયેલા જિલ્લા અને રાજ્ય કક્ષાના વિવિધ ધરણા કાર્યક્રમોની કામગીરી અંગે પણ ચર્ચા થઈ હતી. નવસારી જિલ્લામાં પૂરથી અસરગ્રસ્ત લોકોની મદદ માટે શિક્ષકો દ્વારા કરવામાં આવેલા સ્વૈચ્છિક ફાળાની આવક અંગે જિલ્લા ખજાનચીશ્રી ભાવેશભાઈ ટંડેલ દ્વારા માહિતી રજૂ કરવામાં આવી હતી.
એપ્રિલથી જુલાઈ-૨૦૨૬ દરમિયાન થયેલા સંગઠનના ખર્ચને મંજૂરી આપવા અંગેની દરખાસ્ત જિલ્લા પ્રમુખશ્રી અજુવેન્દ્ર પટેલ દ્વારા રજૂ કરવામાં આવી હતી. પૂરગ્રસ્તોને સહાય પહોંચાડવાની પ્રક્રિયા તથા તેની નીતિ અંગે પણ સભ્યો દ્વારા સૂચનો અને ચર્ચા કરવામાં આવી હતી.
આગામી સમયમાં શિક્ષકો માટે શૈક્ષણિક ચિંતન શિબિર યોજવા અંગેનો પ્રસ્તાવ નવસારી તાલુકા પ્રમુખશ્રી હેમંતસિંહ ચૌહાણ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. સંગઠનની આગામી કામગીરીને લઈને પ્રમુખસ્થાનેથી રજૂ થયેલા વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
ઉત્કૃષ્ટ શિક્ષકોનું સન્માન
બેઠક દરમિયાન શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર શિક્ષકોને મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષણની ગુણવત્તા, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને શાળાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન બદલ શિક્ષકોની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
પૂર્વ હોદ્દેદારોને વિદાય સન્માન
આ પ્રસંગે જલાલપોર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખશ્રી કિરણભાઈ પટેલ અને જિલ્લા સંઘના પૂર્વ ખજાનચીશ્રી મહેન્દ્રભાઈ પટેલનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સંગઠન માટે તેમની સેવાઓ અને લાંબા સમયના યોગદાનને યાદ કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
બેઠકના અંતે જિલ્લા કોષાધ્યક્ષશ્રી ચંદ્રકાંતભાઈ ગાયકવાડ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
કારોબારી બેઠકના માધ્યમથી શિક્ષકોના પ્રશ્નો, સંગઠનાત્મક પ્રવૃત્તિઓ, શૈક્ષણિક વિકાસ અને સમાજ પ્રત્યેની જવાબદારી અંગે સંઘની આગામી દિશા માટે ચર્ચા કરવામાં આવી હતી.







